Thursday, Mar 20, 2025

ગણદેવીના દુવાડાની પરિણીતાને ગળે ટૂંપો આપી હત્યા, મૃતદેહ મળતા ખળભળાટ

3 Min Read
  • નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી.

ગણદેવીના (Gandevi) દુવાડા ગામે શ્રીરામ ક્વોરીની સામેની ખુલ્લી જગ્યામાંથી આજે સવારે ગામની પરિણીતાનો ગળે ઓંધણીથી ટુંપો આપી હત્યા કરી અર્ધનગ્ન (half naked) હાલતમાં ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થથી વાર કરી તેનો ચહેરો બગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ગણદેવી પોલીસ સાથે જિલ્લા પોલીસ વડા (District Police Chief) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારાઓનું પગેરૂ મેળવવાના પ્રયાસો આરંભ્યા છે.

નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામે વડ ફળિયામાં રહેતી 29 વર્ષીય હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારે નજીકના કછોલી ગામે આવેલા પોતાના પિયર ગઈ હતી. ત્યાંથી સાંજે 4 વાગ્યા આસપાસ પરત દુવાડા આવવા નીકળી હતી. પરંતુ હીના પોતાના ઘરે પહોંચી ન હતી અને આજે સવારે ગામની શ્રી રામ ક્વોરી સામે આવેલી ચીમન પટેલના ખેતરની ખુલ્લી જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કવોરી નજીક જ રહેતા હીનાના સંબંધીઓએ તેનો મૃતદેહ જોતા અર્જુન અને ગામના આગેવાનોને જાણ કરી હતી.

સાથે જ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ગણદેવી પોલીસે મૃતદેહ તપાસતા તેના ગળે મરૂન રંગની ઓઢણી બાંધી ગળે ટુંપો આપી હત્યા કરી હતી. સાથે જ હત્યારાએ કોઈ બોથડ પદાર્થ કે પથ્થર વડે તેના માથામાં તેમજ કપાળ અને ડાબી આંખ ઉપર વાર કરી ચહેરો બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે હિનાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો.

હીનાની હત્યા પ્રકરણમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે હીના છેલ્લા 4 વર્ષોથી કછોલી ગામે રહેતા પોતાના પતિ ધર્મેશ હળપતિને છોડીને દુવાડા ગામે રહેતા અને વહાણમાં મચ્છીમારી કરવા જતા અર્જુન નાયકા સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જેમાં ધર્મેશનું બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ થયુ હતું. હીનાને ધર્મેશથી 8 વર્ષનો એક પુત્ર અને અર્જુંનથી 3 વર્ષનો એક પુત્ર છે.

જ્યારે હીના દેશી દારૂ પીવાની આદત ધરાવતી હોવાની પણ ગામમાં ચર્ચા છે. જેથી કદાચ ગત રોજ સાંજે હીના દારૂના નશામાં હોય અને એને કોઈએ રોકીને તેની સાથે બળજબરી કરવાના પ્રયાસમાં તેને મોતને ઘાટ ઉતારી હોવાની પણ થિયરી પોલીસ વિચારી રહી છે.

જેથી પોલીસે શ્રી રામ કવોરી અને નજીકમાં જ ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરો મળીને અત્યાર સુધીમાં 20 લોકોની પૂછપરછ કરી છે. જ્યારે પતિ અર્જુન સાથે પણ ઝઘડા થતા હોવાની માહિતી મળતા એને પણ શંકાના દાયરામાં રાખી તપાસને વેગ આપવામાં આવ્યો છે. પોલીસે LCB, SOG અને ગણદેવી પોલીસની 3 – 4 ટીમો બનાવી હત્યારાને પકડવાની મથામણ આરંભી છે.

આ પણ વાંચો :-

Share This Article