મહારાષ્ટ્રના બદલાપુરમાં એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મધ્ય રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટિલે કહ્યું કે, હવે સ્થિતિ સામાન્ય બની છે, રેલવે વ્યવહાર ફરી શરૂ થઈ ચૂક્યો છે. હાલ, કોઈ કલમ લાગુ નથી. જો કે, ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસ માટે બંધ રહેશે, જેથી અફવાઓ ફેલાય નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટના સ્કૂલના ટોયલેટમાં બે નાની માસૂમ બાળાઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે એક બાળકીએ તેના માતા-પિતાને આ ઘટના અંગે જણાવ્યું ત્યારે, આ ઘટનાની જાણ થઈ હતી. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. યૌન શોષણ મામલે આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પક્ષના કાર્યકરો સાથે બદલાપુરની ઘટનાનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર સરકાર સામે દેખાવો કર્યા હતા.
થાણે પોલીસના જણાવ્યા અનુસાર, એક નર્સરી સ્કૂલની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યૌન શોષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર વર્ષની બાળકીએ તેના વાલીને આ વિશે જણાવ્યું. જે બાદ બંને પરિવારોએ મેડિકલ તપાસની માંગ કરી હતી. આ પછી તેમણે થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પોસ્કોમાં નોંધવામાં આવ્યો છે.
બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.
આ પણ વાંચો :-