સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ પકડાયું છે. પોલીસે 8.35 લાખનો મુદામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડયા છે.
આ શખ્સો દ્વારા શહેરના સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં 37 હજાર રૂપિયામાં 3 દુકાનો ભાડે રાખવામાં આવી હતી અને માત્ર 12 ધોરણ ભણેલા ત્રણ શખ્સોએ ફેસબુક પર બોગસ આઈડી બનાવીને ‘સસ્તામાં કિચનવેર તેમજ ઘરવખરીનો સામાન મળશે’ તેવી જાહેરાતની પોસ્ટ કરી હતી. જેની લાલચમાં અનેક લોકો આવી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સોએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી લગભગ 30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
સરથાણા પોલીસે આ મામલે આશિષ હડિયા, સંજય કાતરીયા, પાર્થ સવાણી, સાગર ખુંટ, દિલીપ પાઘડાળ અને યસ સવાણીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લોકો સાથે આ પ્રકારની છેતરપિંડીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર સાગર તેના ભાઈ પિયુષ અને આશિષ હડિયાએ B Tech અને MCA ભણેલા વિદ્યાર્થીઓને 30 હજાર રૂપિયાનો પગાર આપવાનું કહીને નોકરી પર રાખ્યા હતા. ત્યારબાદ આ ટોળકીએ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઈટ બનાવી હતી અને QR કોડ ઉભા કર્યા હતા. ત્યારબાદ આ ટોળકીએ કિચનવેરનો સામાન ખૂબ જ સસ્તા ભાવે મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પર મૂકી હતી. જે લોકો આ વેબસાઈટ પરથી વસ્તુની ખરીદી કરતા હતા, તેમની સાથે છેતરપિંડી થતી હતી અને પૈસા આ ભેજાબાજોને મળતા હતા.
આ પણ વાંચો :-