દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.
અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે. તાનાશાહના આદેશ પર વહેલી સવારે તેની કઠપૂતળી ED મારા ઘરે પહોંચી ગઈ છે. સરમુખત્યાર મને અને AAPના નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આખરે આ તાનાશાહી ક્યાં સુધી ચાલશે?”
AAP નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ED માટે આ જ કામ બાકી છે. ભાજપ વિરૂદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘EDની ક્રૂરતા તો જુઓ. અમાનતુલ્લા ખાન પહેલા EDની તપાસમાં જોડાયા, તેમણે વધુ સમય માંગ્યો, કારણ કે તેમની સાસુને કેન્સર છે, તેમણે ઓપરેશન કરાવ્યું, અને હવે દરોડો પાડવા માટે વહેલી સવારે ઘરે પહોંચ્યા. અમાનતુલ્લા વિરુદ્ધ કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની તાનાશાહી અને EDની ગુંડાગીરી બંને યથાવત છે.
આ પણ વાંચો :-