શરાબ નીતિ કેસમાં ED આજે CM કેજરીવાલની કરી શકે છે ધરપકડ

Share this story

આમ આદમી પાર્ટી દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની શક્યતાથી ડરી ગઈ છે. ધરપકડની શક્યતાને પગલે પાર્ટી કાર્યકરો મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ED અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવે તેવી સંભાવના પણ રહેલી છે. છેલ્લા ૯ કલાકથી આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ-અલગ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પહેલા અડધી રાત્રે સોશિયલ મીડિયા પર સતત ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલની ધરપકડનો ડર વ્યક્ત કર્યો અને પછી થોડી વાર પહેલા કેજરીવાલના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હોવાની વાત થઈ રહી છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરને પોલીસે ચારે બાજુથી બંધ કરી દીધું છે. મુખ્યમંત્રી આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. AAPએ દાવો પણ કર્યો હતો કે, CMના સ્ટાફને પણ અંદર જવા દેવામાં આવી રહ્યો નથી, પરંતુ પાર્ટીના દાવાથી વિપરીત, CM હાઉસ તરફ જતા બંને રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે, આજે ED અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે.

જ્યારે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે કહ્યું હતું કે કેજરીવાલને દેશની ન્યાય વ્યવસ્થા પર ભરોસો નથી, તેઓ નથી ઇચ્છતા કે સત્ય બહાર આવે અને તેથી જ સમન્સ ટાળી રહ્યા છે. કેજરીવાલે ઇડીના સમન્સનો જવાબ આપતા કહ્યું હતું કે તમારે જે પણ સવાલો પૂછવા હોય તે લેખીતમાં મોકલવામાં આવે, હાલમાં હું રાજ્યસભાની ચૂંટણી અને ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હોવાથી હાજર નહી થઇ શકું. કેજરીવાલ ત્રણ સમન્સને ટાળી ચુક્યા છે અને હાજર નથી થયા તેથી હવે ઇડી દ્વારા આ મુદ્દે શું પગલા લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.