સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના બદલીની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના ત્રણ વરિષ્ઠ જજોના કોલેજિયમે જસ્ટિસ વર્માને પરત તેમના મૂળ હાઈકોર્ટ એટલે કે અલહાબાદ હાઈકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. સૂત્રોના મતે, જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી, જેને બુઝાવા ગયેલી ટીમને ત્યાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી હતી.
જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રોકડ મળવાની જાણકારી સીધા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સુધી પહોંચી. આ મામલાને ગંભીરતાથી લઈ કોલેજિયમે તાત્કાલિક બેઠક બોલાવી અને જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો.
દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે આગ પર કાબૂ મેળવતા જજના ઘરમાંથી ‘ખજાનો’ મળી આવ્યો. આ ઘટના બાદ કોલેજિયમની બેઠક યોજાઈ હતી અને જજને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેટલાક ન્યાયાધીશો તેમના રાજીનામાની અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. અગાઉ, જજ યશવંત વર્માની ઓક્ટોબર 2021માં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.