સી.આર. પાટીલને બદનામ કરવા નીકળેલા ભાજપનાં અસંતુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ ગયા

Share this story
  • આખો ખેલ મોટા માથાનો હોવાની આશંકા, પરંતુ દોષનો ટોપલો કહેવાતા વફાદારોનાં માથે ઢોળી દેવાયો
  • ‘‘કોઈ કાર્યકરોએ ભૂલ કરી હશે’’ એવું કહીને પૂર્વમંત્રી ગણપત વસાવાએ હાથ ખંખેરી નાંખ્યાં
  • પરંતુ રાકેશ સોલંકીએ નનામી પત્રિકા પોતાની ઓફિસમાં તૈયાર કરવામાં આવી હોવાનું કબૂલીને ઘણું કહી દીધું
  • સૌપ્રથમ જીનેન્દ્ર શાહે વીડિયો ફરતો કરીને સી.આર. પાટીલ સામે કાદવ ઉછાળ્યો હતો, બબ્બે વીડિયો ફરતા કર્યા પછી પણ અસંતુષ્ટો ધાર્યુ કરાવી શક્યા નહોતા; પોલીસમાં રાકેશ સોલંકી, ખુમાનસિંહ પટેલ અને દિપુ યાદવની કબૂલાતે ભાજપની છાવણીમાં ખદબદતા અસંતોષનાં લાવાને જાહેર રોડ ઉપર લાવી દીધો.

ગુજરાત ભાજપમાં ઘણાં લાંબા સમયથી ધુંધવાઈ રહેલો મામલો આખરે સપાટી ઉપર આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વેથી ભાજપમાં આંતરકલહ ખદબદી રહ્યો હતો.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં કેન્દ્રિય નેતાગીરી સમક્ષ વધતા જતાં કદ સામે ઘણાંને નારાજગી હતી. પરંતુ વડાપ્રધાન મોદી સી.આર. પાટીલની પડખે અડીખમ બનીને ઊભા રહ્યાં હોવાથી પક્ષનાં અસંતુષ્ટોનો પનો ટૂંકો પડતો હતો તેમ છતાં તક મળે ત્યારે પથ્થરા મારવાનું ચાલુ રાખવા ઉપરાંત કેટલાંક આગલી હરોળનાં નેતાઓનું કહેવાતુ પીઠબળ મળવાથી અસંતુષ્ટો ધુંધવાતી આગમાં સતત કેરોસીન રેડવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો અને જીનેન્દ્ર શાહ નામનાં ઈસમે સૌપ્રથમ પોતાનો વીડિયો ફરતો કરીને સી.આર.પાટીલ સામે કરોડોની ગેરરીતિનો સીધો કાદવ ઉછાળીને ગુજરાત ભાજપની છાવણીમાં ભડકો કર્યો હતો.

જીનેન્દ્ર શાહ ઘણાં સમયથી સી.આર. પાટીલ સામે કાદવ ઉછાળી રહ્યો હતો. પરંતુ જીનેન્દ્ર શાહનો વીડિયો જોતા જ પ્રાથમિક તબક્કે જણાઈ આવતુ હતું કે, આ માણસની વાતમાં દમ નથી. તેમ છતાં સી.આર. પાટીલ વિરોધી છાવણીને ગલગલિયા થવા માંડ્યા હતા અને આ વિરોધીઓએ એવું માની લીધું હતું કે, હવે સી.આર. પાટીલનું પત્તુ કાપવામાં ચોક્કસ સફળતા મળશે. પરંતુ જીનેન્દ્ર શાહનાં પ્રથમ વીડિયોની ઉપલી નેતાગીરી ઉપર કોઈ જ અસર નહીં થતાં જીનેન્દ્ર શાહે બીજો વીડિયો ફરતો કર્યો હતો અને ૮૦ કરોડની જગ્યાએ ૧૬૦ કરોડનાં ગોટાળાની વાત કરીને જુઠ્ઠાણાની હદ વટાવી હતી. આ તરફ પોતીકા અસંતુષ્ટો કોઈપણ ભોગે સી.આર. પાટીલની ઉશ્કેરણી કરવા સાથે પ્રતિષ્‍ઠા ઉપર વધુ કાદવ ઉડાડવા માંગતા હતા.

જીનેન્દ્ર શાહનાં બીજા વીડિયો બાદ પણ અસંતુષ્ટોની અપેક્ષા ફળીભૂત થઈ નહોતી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે, સી.આર. પાટીલની છાવણી વળતો સામનો કરવા હરકતમાં આવી હતી અને સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા જીનેન્દ્ર શાહની અટકાયત કરી આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

જીનેન્દ્ર શાહની પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાંચને કેટલીક મહત્ત્વની કડીઓ હાથમાં આવી હતી, પરંતુ તપાસની વિગતો ખાનગી રાખીને સી.આર. પાટીલની પ્રતિષ્‍ઠા સામે કીચડ ઉડાડી રહેલા લોકોને બેનકાબ કરવા પ્રયાસો શરૂ કર્યાં હતાં.

મામલો ખૂબ ગંભીર હતો. કારણ કે, ભાજપનાં પોતીકા લોકો જ સંડોવાયેલા હોવાથી પોલીસ અધિકારીઓ પણ દાઝી જવાના ભય સાથે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યાં હતાં. કારણ કે, જીનેન્દ્ર શાહની ગરદનમાં હાથ નાંખવાનું આસાન હતું, પરંતુ પૂર્વ મંત્રી ગણપત વસાવાનું નામ પણ આવતુ હોવાથી પોલીસ વધુ સાવધાન બની ગઈ હતી. પોલીસ માટે સૌથી મોટો ભય એ વાતનો હતો કે, ભાજપની આંતરિક લડાઈમાં પોતાનો ભોગ લેવાઈ જાય નહીં.

દરમિયાન ગણપત વસાવાને બાજુએ રાખીને પોલીસ વધુ ત્રણ ઈસમો દિપ યાદવ, ખુમાનસિંહ પટેલ અને રાકેશ સોલંકી નામનાં ઈસમોને ઉચકી લાવી હતી. આ ત્રણ પૈકી રાકેશ સોલંકી ગણપત વસાવાનો અંગત વ્યક્તિ હોવાનું મનાય છે. આ ત્રણની પૂછપરછ દરમિયાન પોલીસને ઘણું બધુ જાણવા મળ્યું હોવાનું મનાય છે. પરંતુ પોલીસ હાલમાં મોઢું ખોલવા માંગતી નથી અથવા તો પોલીસને મોઢું બંધ રાખવાની સુચના મળી છે.

દરમિયાન વડાપ્રધાન મોદીને સંબોધીને લખવામાં આવેલી અને ફરતી કરવામાં આવેલી ‘નનામી’ પત્રિકામાં સી.આર. પાટીલ ઉપરાંત મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, ધારાસભ્ય સંગીતા પાટીલ, પરેશ પટેલ, છોટુ પાટીલ, અમિત રાજપૂત, બિંદલ વગેરે સામે ધડમાથા વગરનાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્રિકા સંદર્ભે ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઘણાં સમય પહેલા સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

અલબત્ત પડદા પાછળનાં અસંતુષ્ટો સામે ચોક્કસ આશંકા હતી. પરંતુ પુરાવા મેળવવા જરૂરી હોવાથી મામલો થોડા દિવસ અધ્ધરતાલ મુકવામાં આવ્યો હતો. આ તરફ શંકાસ્પદોની પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવતા ચોક્કસ લોકોની ગરદનમાં હાથ નાંખવા સુધીનાં પુરાવા મળી ગયા હતા.

કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બિનસત્તાવાર માહિતી મુજબ એક આગલી હરોળનાં નેતાએ વહેલી સવારે સી.આર.પાટીલનો સંપર્ક કરીને પોતે કરેલી ભુલની માફી માંગી લીધી હતી. પરંતુ આ આખી ઘટનાનાં કોઈ જ પુરાવા નથી અને બંને પૈકી એકપણ પક્ષ બોલવા તૈયાર પણ નથી. પરંતુ ચોક્કસ કંઈક રંધાયા હોવાની આશંકા છે.

આ તરફ સંદીપ દેસાઈએ ક્રાઈમ બ્રાંચમાં હાજર થઈને નોંધાવેલી ફરિયાદ, પત્રકારો સમક્ષ કરેલી જાહેરાત આ બધુ સુચવે છે કે, ભાજપની આંતરિક યાદવાસ્થળીમાં આગામી દિવસામાં ચોક્કસ મોટો વિસ્ફોટ થવાની આશંકા છે. દિવસોથી ઘુમરાતો વિવાદ આજે અચાનક અને ખૂબ જ ઝડપથી સપાટી ઉપર આવ્યો હતો અને દિપુ યાદવ, ખુમાનસિંહ પટેલ તથા રાકેશ સોલંકીએ પોપટની જેમ કરેલી કબૂલાત જોતા સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ઈશારો કહી શકાય.

હકીકતમાં રાકેશ સોલંકીને બાદ કરતાં દિપુ યાદવ, ખુમાનસિંહ મોહરા હોઈ શકે. વળી રાકેશ સોલંકી પૂર્વ મંત્રી ગણપત વસાવાનાં ખૂબ જ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. વળી ગણપત વસાવાએ પણ સમગ્ર ઘટનાથી પોતાની જાતને અલગ કરીને હાથ ખંખેરી નાંખ્યા હતા. તેમનું કહેવું હતું કે, ‘કોઈ કાર્યકરે ભૂલ કરી હશે.’ પોલીસ તપાસ કરશે આનાથી વધુ આગળ શબ્દો બોલ્યા નથી. બધાની નજર ગણપત વસાવા તરફ હતી, પરંતુ ગણપત વસાવાએ સાફ સાફ શબ્દોમાં પોતે સમગ્ર ઘટનાથી અજાણ હોવાની સ્પષ્ટતા કરી દીધી હતી.

ક્રાઈમ બ્રાંચનાં હાથે પકડાયેલા લોકોએ તો પોતે એવી કબૂલાત કરી હતી કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ૧૫૬ બેઠકો મળવાથી સી.આર. પાટીલનું રાજકીય કદ વધી જવાથી તેઓ નારાજ હતા ! નવાઈની વાત તો એ છે કે પકડાયેલા રાકેશ સોલંકી સહિત અન્ય લોકો ભાજપ સાથે જ સંકળાયેલા છે. ભાજપને ૧૫૬ બેઠક મળવાથી એક કાર્યકર તરીકે તેઓએ ખુશ થવું જોઈએ. વળી આ પૈકી એકપણ વ્યક્તિ એવો નહોતો કે, આગલી હરોળનો નેતા હોય અને એટલે જ આખી પત્રિકા ફરતી કરવા પાછળ ભાજપનાં આગલી હરોળનાં નેતાઓનો હાથ હોવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી.

ખેર, આગામી દિવસોમાં ભાજપની છાવણીમાં ધડાકા ભડાકા થઈ શકે. કારણ કે સી.આર. પાટીલ પણ માની શકાય એટલા નબળા (કાચા) નથી. તેમનામાં એક શિકારી જેટલી ધીરજ છે. વિતેલા દિવસોમાં ઘણું સહન કરવું પડ્યું છે. બની શકે કે, આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં કલ્પના બહારનાં નિર્ણયો લેવાઈ શકે.

આ પણ વાંચો :-