ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીને માર મારવા અને ધમકી મારવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટની સજાની જાહેરાત સાથે ચૈતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી શકે છે. નિયમ પ્રમાણે જો કોઈ ધારાસભ્ય કે સાંસદને કોઈ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા મળે તો તેમણે પદ છોડવું પડે છે. જે રીતે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફટકારતા તેમને સાંસદ પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા.
શું હતો રાહુલ ગાંધીનો કેસ
રાહુલ ગાંધીના કેસની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યુ હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ સુરતની મેટ્રોપોલિયન કોર્ટમાં ચાલ્યો હતો. આરોપ હતો કે આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોની છબી ખરાબ થઈ છે. ટ્રાયલ કોર્ટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો હતો સ્ટે
રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરતા ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને સજા પર સ્ટે લગાવ્યો હતો. સુપ્રીમના સ્ટે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકે વાપસી થઈ હતી.
લોકસભા સચિવાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું રાહુલનું સભ્યપદ
નીચલી કોર્ટની સજા બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને સાંસદ પદેથી ગેરલાયક ઠેરવી દેવામાં આવ્યા હતા. 24 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીનું સંસદ તરીકેનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીની સંસદમાં વાપસી થઈ હતી.
ચૈતર વસાવાના કેસમાં હવે શું થશે?
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. હવે તેમણે ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે. જોકે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટમાં સજા પર સ્ટે લગાવવા માટે અરજી કરી શકે છે. જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવશે. જ્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આ સજા પર સ્ટે લગાવે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકે છે.