Sunday, May 24, 2026

ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સાપુતારામાં વરસાદથી ઠંડક પ્રસરી

3 Min Read

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી અકળાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવી આગાહી વ્યક્ત કરી છે. જોકે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝરમર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. વલસાડ અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે.

વલસાડ જિલ્લામાં સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

બીજી તરફ ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારામાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જોકે ભારે ધુમ્મસ અને વરસાદને કારણે ઘાટમાર્ગ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની સૂચના આપવામાં આવી રહી છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો શનિવારે સવારે દિલ્હી-એનસીઆરમાં પણ અચાનક હવામાન બદલાયું હતું। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને ધૂળની આંધી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં બદરપુર, તુગલકાબાદ અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે 28 મે સુધી ગરમી જેવી સ્થિતિ યથાવત રહી શકે છે. શુક્રવારે દિલ્હી, પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ ભારે ગરમીનો અનુભવ થયો હતો. દિલ્હીના સફદરજંગ સ્ટેશન પર મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ હતું. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું.

IMDએ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટનો અર્થ એ છે કે કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધી અને ખરાબ હવામાનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાક દરમિયાન દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શાહદરા, મધ્ય દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીમાં મધ્યમ ધૂળના તોફાનો આવી શકે છે.

તે ઉપરાંત દક્ષિણ દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કેટલાક ભાગોમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Share This Article