મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના ૩મહાનગરપાલિકા વિકાસ માટે 1646 કરોડની મંજૂર કર્યા, કુલ 414 કામો થશે

Share this story

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૧૪ કામો માટે કુલ ૧૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ.૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના ૧૦૧, સામાજિક આંતર માળખાકીય સુવિધાના ૭૮, અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી ૭૦.૩૧ કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક – માર્ગોના ૨૫ કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ.૩૮૪.૨૦ કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ.૨૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો :-