યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અલગ અલગ ખાદ્ય પદાર્થો મારફતે ફેલાઈ રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયાને કારણે ખળભળાટ મચી ગયો છે. કાકડી, ડુંગળી અને ટામેટાં પછી ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાની હાજરીની જાણ થઇ છે. ચેપગ્રસ્ત ઈંડા ખાવાથી યુએસના સાત રાજ્યોમાં લગભગ 80 લોકો બીમાર પડ્યા છે, જેમાંથી કેટલાક કેસ ગંભીર છે. 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. યુએસમાં ફૂડ સેફટી સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ઈંડા પાછા ખેંચવામાં આવ્યા:
ઈંડામાં સાલ્મોનેલાના બેક્ટેરિયા મળી આવ્યા બાદ, કેલિફોર્નિયાની ઓગસ્ટ એગ કંપનીએ દેશભરમાં સપ્લાય કરેલા લગભગ 17 લાખ ઈંડા પાછા મંગાવ્યા છે. સરકારી એજન્સીઓએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ ચેપગ્રસ્ત ઈંડા ફેંકી દે અથવા સ્ટોરમાં પાછા આપે, જ્યાંથી કંપની ઈંડાને ટેસ્ટીંગ માટે મોકલાશે.
સરકારી એજન્સીઓએ લોકોને ચેપના ફેલાવાને રોકવા માટે હાથ સારી રીતે ધોવાની અપીલ કરી છે. ઈંડા ખાધા પછી ડિહાઇડ્રેશન અથવા તાવ જેવા ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ(CDC)એ અહેવાલમાં જાણવા મળ્યું છે કે એરિઝોના, કેલિફોર્નિયા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, નેબ્રાસ્કા, ન્યુ મેક્સિકો, નેવાડા, વોશિંગ્ટન અને વ્યોમિંગમાં 80 લોકો બીમાર પડ્યા હતા. બધા એક જ ઇંડા બ્રાન્ડ દ્વારા સાથે જોડાયેલા છે.