હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના દિવસે ભાજપે ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ચારેય હિસાર વિધાનસભાથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદાલના માતા સાવિત્રી જિંદાલ પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સાથે ગૌતમ સરદાના, તરુણ જૈન અને અમિત ગ્રોવરને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી તરફથી પ્રેસનોટ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.
આ પહેલા 5 ઓક્ટોબરે સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલ ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે ઘોડા પર સવારી કરવી શુભ છે. મારી માતા સાવિત્રી જિંદાલ હિસારથી ચૂંટણી લડી રહી છે અને તે હિસારના વિકાસ માટે ઘણું કરવા માંગે છે. નવીન જિંદાલે કહ્યું કે, મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મને આશા છે કે રાજ્યમાં ફરીથી ભાજપ (BJP)ની સરકાર બનશે. મારી માતા પણ ચૂંટણી લડી રહી છે, પરંતુ તેઓ કોને આશીર્વાદ આપશે તે જનતાએ નક્કી કરવાનું છે. હરિયાણાના લોકો ફરી એકવાર ભાજપ (BJP)ને તેમના આશીર્વાદ આપશે અને નાયબ સિંહ સૈની ફરીથી મુખ્યમંત્રી બનશે. અનિલ વિજના CM પદના દાવા પર નવીન જિંદાલે કહ્યું કે, તેઓ પાર્ટીના મોટા નેતા છે અને જો તેમના મનમાં કંઈક ચાલી રહ્યું છે તો તેમને કહેવાનો અધિકાર છે.
હિસાર જિંદાલ પરિવારનો ગઢ રહ્યો છે. ઓમ પ્રકાશ જિંદાલે 1968માં અહીંથી ચૂંટણી લડી હતી. 1977માં ઓમ પ્રકાશ જિંદાલે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ઓમ પ્રકાશ જિંદાલના અવસાન બાદ સાવિત્રી જિંદાલ 2005માં રાજકારણમાં આવ્યા હતા અને બે વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા હતા. 2014માં ચૂંટણી હાર્યા બાદ તે 10 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા હતા. જયારે કોંગ્રેસ છ વખત હિસારથી જીતી છે, ચાર વખત જિંદાલ પરિવારના સભ્ય ધારાસભ્ય બન્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે.
આ પણ વાંચો :-