બાપા ચૂંટણીમાં તમે જ અમારી વિરુદ્ધ કામ કર્યું હતું, ભાજપની શિસ્ત સમિતિના ધજાગરા

Share this story

Bapa It was you who worked against us in the elections

  • ચેરમેન સામે જ ફરિયાદ થતાં ભાજપની આ શિસ્ત સમિતિ એ માત્ર કાગનો વાઘ સાબિત થઈ છે. હવે કોણ કોની સામે ફરિયાદ કરશે અને કોની સામે કાર્યવાહી થાય છે એ તો આગામી સમય જ બતાવ

ચૂંટણીમાં ભાજપે 156 સીટો જીતીને નવો ઈતિહાસ તો રચી દીધો છે પણ ભાજપના નેતાઓનો વારો પડે તેવી સંભાવના છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓ (Anti-Party Activity) કરનાર સામે આકરાં પગલાં ભરવા માટે ભાજપે શિસ્ત કમિટીની સ્થાપના કરી છે. જેમાં અધ્યક્ષ વલ્લભ કાકડિયા (Vallabh Kakadiya) છે. ભાજપ ભલે સીટો જીતીને વિજેતા બની છે પણ આ ચૂંટણીમાં પાર્ટીએ અસંતોષનો સામનો કરવો પડ્યો છે.

શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં આ ચૂંટણીમાં આજ દીન સુધી ન ભજવાયા હોય એવા નાટકો ભજવાયા છે. રેકોર્ડબ્રેક જીતને પગલે નેતાઓની નારાજગી સાઈડમાં થઈ ગઈ છે પણ પાર્ટીએ પક્ષવિરોધીઓને સબક શીખવવાનો નિર્ણય લીધો છે. જેના માટે એક કમિટીની રચના કરી છે પણ ગુજરાતીમાં કહેવત છે ને વાડ જ ચીંભડાં ગળી જતી હોય એમ બિલાડીને જ દૂધના રખોપું કરવાની જવાબદારી સોંપાય તો કેવી સ્થિતિ ઉભી થઈ શકે એમ ભાજપ હાલમાં આબરૂના ધજાગરા ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી છે.

તાજેતરની ચૂંટણીમાં જેમણે કથિત રીતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામેની રજુઆત સાંભળી યોગ્ય નિર્ણય કરવા માટે ભાજપે શિસ્ત સમિતિની રચના કરી હતી. ચાર દિવસ પહેલાં આ સમિતિની બેઠક મળી હતી. જેમાં અમદાવાદની સીટોની ચર્ચા થઈ હતી. શિસ્ત સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયા છે. આ સમિતિમાં પૂર્વ વિસ્તારની એક બેઠક અંગે જેવી ચર્ચા શરૂ થઈ એ સાથે જ તે બેઠકના વિજેતા ઉમેદવારે અધ્યક્ષના વટાણા વેરી નાખ્યાં હતા.

આ ચૂંટણીમાં કાકડિયાએ દાવેદાર હોવા છતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. વલ્લભ કાકડિયાએ કાર્યકરોના લેખાં-જોખાં શરૂ કર્યા એ સાથે જ તે બેઠકના ઉમેદવારે કાકડિયાને રોકડું પરખાવ્યું કે બાપા ચૂંટણીમાં તમે જ અમારી વિરુદ્ધ કામ કર્યું હતું. તો હવે તમારી ફરિયાદ ક્યાં કરવી?

આ સાંભળીને વલ્લભ કાકડિયાની સ્થિતિ ધરતી જગ્યા આપે તો સમાઈ જવા જેવી થઈ ગઈ હતી. જો કે તેમણે આખી વાતને હસવામાં ખપાવીને પોતાના પરના આરોપનો ઢાંકપિછોડો ઉમેદવારો કમલમાંથી બહાર નીકળ્યાં ત્યારે મૂંછમાં હસતા નજરે પડતાં હતાં. જો કે ચેરમેન સામે જ ફરિયાદ થતાં ભાજપની આ શિસ્ત સમિતિ એ માત્ર કાગનો વાઘ સાબિત થઈ છે. હવે કોણ કોની સામે ફરિયાદ કરશે અને કોની સામે કાર્યવાહી થાય છે એ તો આગામી સમય જ બતાવશે.

ગુજરાતમાં ચૂંટણી બાદ ભાજપે શિસ્ત સમિતીની રચના કરતાં અહી 600થી વધારે ફરિયાદો આવી છે. જે ફરિયાદોને સાંભળવાનું હાલમાં કામ ચાલી રહ્યું છે. પાટીલે શિસ્ત કમિટીની રચના કરી છે. જેમાં નેતાઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારાની લેખિતમાં ફરિયાદો કરી છે. જેની બેઠકો મળી રહી છે.

જેમાં ખુદ ચેરમેન સામે જ બળવાખોરીનો ઠપ્પો લાગતાં હવે આગામી દિવસોમાં ભાજપ કેવી કાર્યવાહી કરે છે એની પર તમામની નજર છે. ભાજપે ચૂટણી સમયે તો બળવાખોરો સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ બેઠકો બાદ ભાજપ કાર્યવાહી કરશે તો ઘણા ભાજપમાંથી ઘરભેગા થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-