મરક મરક હાસ્ય અને સુગંધી સોપારી મમળાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન આવી ગયું

Share this story

Chief Minister Bhupendra Patel has

  • જેવો સંગ તેવો રંગ : ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહના સતત સહવાસને પગલે શાંત, સરળ ભૂપેન્દ્ર પટેલ અનુભવી, કુશળ રાજનેતા બની ગયા.
  • ગાંધીનગરમાં ભૂતકાળની નરેન્દ્ર મોદીની સરકારની અનુભૂતી થઈ રહી છે. કામ સિવાય કોઇ વાત નહીં અને અધિકારીઓ પણ લાઈન ઉપર આવી ગયા.
  • લોકોને શંકા હતી કે મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ કઇ રીતે સરકાર ચલાવશે? પરંતુ લોકોની શંકા ભૂપેન્દ્ર પટેલે ખોટી ઠેરવી.
  • નવી સરકારની રચના બાદ દિલ્હી રવાના થતા પૂર્વે વડાપ્રધાન મોદીએ આપેલી ચેતવણી હજુ પણ ઘણાના કાનમાં પડઘાયા કરતી હશે.
  • રીઢા રાજકારણીઓ, વચેટિયાઓને નસેનસથી ઓળખતા મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનની ઢાલ મુખ્યમંત્રી માટે સૌથી મોટુ સુરક્ષા ચક્ર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે કારભાર સંભાળ્યો ત્યારે બધાને એક વાતનો ડર હતો કે મૃદુ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ નવી સરકારનું સુકાન અસરકારક સંભાળી શકશે કે કેમ? કારણ કે લોકોને ભૂપેન્દ્ર પટેલની વહિવટી ક્ષમતા સામે શંકા નહોતી પરંતુ સ્વભાવગત તેઓ આકરા થઈ શકે તેમ નહીં હોવાથી લોકોને એક એવી આશંકા હતી કે ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ બહુમતવાળી સરકારને કઇ રીતે ચલાવી શકશે પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારનો પ્રારંભ અને વિતેલા એક માસના સમય જોતા ગાંધીનગરમાં બધુ જ બદલાઈ ગયું છે.

થોડા ઘણા અંશે ભૂતકાળની નરેન્દ્ર મોદીનાં સમયના વહિવટની અનુભૂતિ થઈ રહી છે. મૃદુ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલમાં ગજબનું પરિવર્તન દેખાઈ રહ્યું છે. જાણે સચિવાલયની લોબી અને ઓફિસોમાં નરેન્દ્ર મોદીની હાજરીનો અહેસાસ થઈ રહ્યો છે. બધુ જ સમયસર એજન્ડા પ્રમાણે અને શિસ્તબદ્ધ ચાલી રહ્યું છે. સનદી અધિકારીઓને પણ ચોક્કસ સંદેશો મળી ગયો છે કે હવે મુખ્યમંત્રીને ઊંધા ચશ્મા પહેરાવી શકાશે નહીં. નક્કી કરેલા કાર્યક્રમ અને આપવામાં આવેલી સમય મર્યાદા પ્રમાણે કાર્યાલયો ધમધમી રહ્યા છે. ઇચ્છા પડે ત્યારે આવતા અને ઇચ્છા પડે ત્યારે નીકળી જવાનું હવે અધિકારીઓ માટે શકય નથી.

મંત્રીઓ માટે પણ ચોક્કસ નિયમો બનાવાયા છે. કોઇ મંત્રીની ઓફિસમાં ‘ડાયરા’ જોવા મળતા નથી અને વચેટિયાઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પ્રત્યેક મંત્રીની કામગીરી ઉપર મુખ્યમંત્રી કાર્યાલય સીધી નજર રાખી રહ્યું છે. મંત્રી પોતાના મતવિસ્તારમાં જઇને શું કરે છે તેનો પણ હિસાબ રાખવામાં આવે છે અને વળી સચિવાલયમાં એકથી વધુ વખત આંટાફેરા મારતા લોકો અને મુલાકાતીઓની પણ વિશેષ નોંધ રાખવામાં આવે છે. ‌
વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે લાગતું હતું કે ભૂપેન્દ્ર પટેલ કેરટેકર એટલે કે રખેવાળ સરકારના મુખ્યમંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલ પણ આક્રમક મિજાજના દેખાતા નહોતા. કદાચ ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ એવું માનતા હશે કે તેઓ ખરેખર વચગાળાની સરકારના મુખ્યમંત્રી છે અને એટલે જ બધુ અનિર્ણાયક સ્થિતિમાં ચાલતુ હતું.

પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે બાજી પોતાના હાથમાં લઇને દાખવેલી આક્રમકતા અને નિર્ણાયક ટાર્ગેટ હાંસલ કરવાના દૃઢ નિર્ધારને પગલે પક્ષના ભલભલા લોકો થથરી ગયા હતા. પક્ષનો એક પણ આગેવાન મોદી અને શાહના નિર્ણય સામે બોલવા રાજી નહોતા. ઘણા લોકો તો ખાનગીમાં ભાજપની નિર્ણાયક બહુમતિ સામે પણ શંકા વ્યક્ત કરતા હતા. ખુદ ભાજપના લોકો ૧૦૦થી ૧૧૦ બેઠકો મુકી રહ્યા હતા પરંતુ મોદી-શાહની જોડીએ રાજકીય પંડિતોને ધરાર જુઠ્ઠા પાડવા સાથે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ખુદ વડાપ્રધાન મોદીએ પોતાનો રેકોર્ડ પણ તોડીને વધુ બેઠકો હાંસલ કરી હતી.

ખેર, ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીક આવ્યા હતા. અને દિવસો સુધી સાથે રહેવાની તક મળી હતી. આ સમય દરમિયાન ઘણું બધું બદલાયું હતું. ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલાવા સાથે ભૂપેન્દ્ર પટેલમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું હતું. એક સમયે મોઢા ઉપર મરક મરક હાસ્ય અને મોઢામાં ફલેવરવાળી સોપારી મમળાવતા ભૂપેન્દ્ર પટેલના સ્વભાવ અને વહેવાર બન્ને બદલાયા છે. અને હવે ભૂપેન્દ્ર પટેલ ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારના વડા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. સરકારને ગેરમાર્ગે દોરીને પોતાનું ધાર્યુ કરાવવામાં માસ્ટર હોવાનું મનતા અધિકારીઓ અને પક્ષના ખેલાડી આગેવાનો, હોદ્દેદારોને પણ મેસેજ મળી ગયો છે કે હવે ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળના ભૂપેન્દ્ર પટેલ નથી.

ભૂપેન્દ્ર પટેલના બદલાવા પાછળ ખરેખર તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું પીઠબળ અને ‘ગુરૂમંત્ર’ કારણભૂત છે. ગુજરાતમાં નવી સરકારની રચના બાદ ગાંધીનગરથી રવાના થતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ચોક્કસ ગાઇડલાઇન આપવા સાથે ‘સખત’ શબ્દોમાં કેટલીક સુચનાઓ આપી હતી. આ સુચનાની આકરી ભાષાએ કેટલાક મંત્રીઓને પણ પરસેવો પડાવી દીધો હતો. વડાપ્રધાન મોદીએ વિમાનમાં પગ મુકતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભા ઉપર હાથ મુકીને પોતે પડખે હોવાનો ભરોસો અપાવ્યો હતો અને ચોક્કસ પરિભાષા સાથે સરકાર ચલાવવા આદેશ આપ્યો હતો. નરેન્દ્ર મોદીનો આદેશ ગણો કે ‘ગુરૂમંત્ર’ ની ગુજરાત સરકારના વહિવટમાં અક્ષરસર અનુભૂતી થઈ રહી છે.

મંત્રીઓ અને સચિવોને ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે અને રોજેરોજનો હિસાબ પુછવામાં  આવે છે. સરકારને હવે વિપક્ષ કે પક્ષના નારાજ લોકોની ચિંતા નથી. વડાપ્રધાન સહિત ભાજપનું નેતૃત્વ હવે ગુજરાતમાં પ્રચંડ બહુમતિના નશામાં ડૂબી જવાને બદલે ભાજપ સરકારને લોકપ્રિય સરકાર બનાવવા ઇચ્છે છે અને એટલે જ નવી સરકારના પ્રારંભથી જ મંત્રીઓ અને પક્ષના હોદ્દેદારો નેતાઓને રાજ્યભરમાં દોડતા કરી દીધા છે. સરકાર ઇચ્છે છે કે રાજ્યના કોઇપણ ખૂંણામાંથી સરકાર સામે નારાજગીની વાત સંભળાવવી જોઇએ નહીં. લોકોને ગાંધીનગર સુધી દોડાવવાને બદલે સ્થાનિક કક્ષાએ જ લોક પ્રશ્નોનો ઉકેલ આવી જવો જોઇએ.

ભાજપ નેતૃત્વની વ્યાખ્યામાં ભૂપેન્દ્ર પટેલ બીલકુલ ફીટ બેસી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ આશ્ચર્યજનક બદલાયા છે. તેમના ચહેરા ઉપરનું મરક મરક હાસ્ય યથાવત છે પરંતુ નિર્ણયમાં ચોક્કસ કઠોરતા અને પારદર્શિતા દેખાઈ રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કામકાજ માટે આવતા પ્રત્યેક મુલાકાતીને પુરતો સમય આપવા સાથે લાગતા વળગતા અધિકારીઓને હાજર રાખીને લોકોની સમસ્યા, પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળની માફક હવે મુખ્યમંત્રીના પી.એ.ના ટેબલ ઉપર ડાયરા કે ભલામણોનો દોર જોવા મળતો નથી. આ બધુ જોયા પછી એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલે કરેલી શરૂઆત લાંબો સમય યથાવત સ્થિતિમાં જાળવી રાખવામાં આવશે તો લોક પ્રશ્નોની લાંબી લાઇનો ઓછી થવા સાથે વચેટિયા એટલે ‘લાયઝનર’ કદાચ જોવા નહીં મળે.
મુખ્યમંત્રીની બાજુમાં જ બેસતા અગ્રસચિવ કૈલાસનાથનની સક્રિયતામાં પણ વધારો દેખાઈ રહ્યો છે. પીઢ અનુભવી અને રાજકીય આગેવાનો અને લોકોની માનસિકતાને ખૂબ જ નજીકથી ઓળખી જતા કૈલાસનાથન મુખ્યમંત્રીની ઢાલ બનીને કામ કરી રહ્યા છે. ખોટા ઇરાદાઓ લઇને આવતા રાજકીય આગેવાનો અને સચિવાલયમાં પડ્યા પાથર્યા રહેતા લોકોનો પડછાયો દૂર કરવા માટે કૈલાસનાથનુ નામ માત્ર કાફી છે.

આ પણ વાંચો :-