પડતા પર પાટું ? ગુજરાતમાં રાશનકાર્ડધારકોને આજથી નહીં મળે રાશન ! જાણો શું છે મામલો

Share this story
  • આજથી રાજ્યવ્યાપી સરકારી સસ્તા અનાજની દુકાનદારો વિવિધ માંગણીઓ લઈને હડતાળ પર ઉતર્યા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના અનેક પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડીને આજથી હડતાળ શરૂ કરી છે.

આજથી રાજ્યવ્યાપી સરકારી સસ્તા અનાજની દુકાનદારો વિવિધ માંગણીઓ લઈને હડતાળ પર ઉતર્યા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના અનેક પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડીને આજથી હડતાળ શરૂ કરી છે.

આજથી રાજ્યભરના ૧૭ હજાર જેટલા વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળથી શ્રાવણના તહેવારોમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને અનાજ, તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યો છે. જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા હડતાળ પર ઉતરેલા દુકાનદારો અને સરકાર વચ્ચેના આ વિવાદમાં ગરીબ રાશનકાર્ડ ધારકોનો મરો થતો જોવા મળી રહ્યો છે.

હડતાળ પર ઉતરેલા વ્યાજબી ભાવના દુકાનદારોનું આ અંગે એવું કહેવું છે કે અસહ્ય મોંઘવારીમાં ઓછા કમિશનના કારણે તેમને પોસાતું નથી. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ રીતે વ્યાજબીભાવના દુકાનદારોએ હડતાળ પાડી હતી પરંતુ ત્યારે સરકારે કમિશન વધારવાની ખાતરી આપી હતી. જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.

આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે ૫૦ કિલો અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવતી હોય છે. જે દુકાનદારોને જરાય પોસાતું નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટના બદલે વળતર આપવા ઈચ્છા ધરાવતા નથી. વ્યાજબી ભાવના દુકાનદારોનો આ સાથે એવો પણ આરોપ છે કે ઓનલાઈન સિસ્ટમ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ છતાં સર્વર વારંવાર ખોટકાય છે જેના કારણે દુકાનદારોની સાથે સાથે કાર્ડધારકોને પણ મુશ્કેલી પડી રહી છે.

હવે આ હડતાળને પરિણામે રાજ્યના લાખો કાર્ડધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે તેમને અનાજ, ખાંડ, તેલ વસ્તુઓ મળશે કે કેમ તે સ્થિતિ ઊભી થઈ છે. બીજી બાજુ ગુજરાત સરકારના પુરવઠા વિભાગના અધિકારીઓ લાયસન્સ રદ કરવાની ચેતવણી આપવા છતાં દુકાનદારો ટસના મસ થતા નથી. ચલણ ન ભર્યા અને અનાજનો જથ્થો પણ ઉપાડ્યો નહીં. દુકાનદારોનું કહેવું છે કે આ વખતે પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી દુકાનો પર તાળું જ રહેશે.

આ પણ વાંચો :-