વધુ એક મહત્વનો નિર્ણય : ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG-ઇલેક્ટ્રિક બસ સેવા, સરકારે ફાળવ્યાં 121 કરોડ

Share this story

Another important decision: CNG-electric

  • શહેરી પરિવહન સુવિધાને ધ્યાને રાખતા ગુજરાત સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે રૂ. 121 કરોડની ફાળવણી કરી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી ગઇ છે એટલે કે નજીકના દિવસોમાં તેની તારીખ પણ જાહેર કરી દેવાશે. એ પહેલાં ગુજરાત સરકાર (Gujarat Govt) એકબાદ એક મહત્વના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી રહી છે તેમજ મહત્વના નિર્ણયો પણ લઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે (State Govt) જનતા હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી :

ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થાને લઈને રૂપિયા 121 કરોડની ફાળવણી કરી છે. સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે રાજકોટમાં 50 ઈલેક્ટ્રિક બસ સંચાલન માટે રૂપિયા 91.25 કરોડની ફાળવણી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ માટે રૂ. 20.44 કરોડની સરકારે ફાળવણી કરી છે. તો ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે રૂ. 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાના કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતુ જાય છે. તદુપરાંત રાજ્યમાં માર્ગ અકસ્માતો તેમજ અસલામત પરિવહનની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ત્યારે રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે સરળ અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી છે.

કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી :

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો લાભ મળે તેવા અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળીને કુલ 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

મહત્વનું છે કે મંજૂરીની વાત કરીએ તો અમદાવાદમાં 625, વડોદરામાં 50, સુરતમાં 400, જૂનાગઢમાં 25 અને જામનગરમાં 10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-