Akshar Patel reached Mahakal
- Ujjain Mahakal temple : ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પોતાની પત્ની મેહા પટેલ સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ભક્તોની ભારે ભીડ વચ્ચે અક્ષર પટેલ અને તેની પત્ની મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા હતા.
અહીં તેમણે ભોળાનાથની પૂજા અને અભિષેક કરીને ભસ્મ આરતીનો લાભ લીધો હતો. લગ્ન પછી પહેલી વખત બંને અહીં દર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે વહેલી સવારે જ અક્ષર પટેલ (Akshar Patel) પોતાની પત્ની સાથે મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar temple) પહોંચ્યા હતા.
અક્ષર પટેલ અને મેહાના લગ્ન 26 જાન્યુઆરીએ થયા હતા. લગ્નના એક મહિના બાદ તેઓ પહેલી વખત ઉજ્જૈન આવ્યા હતા. બંનેએ સોમવારે સવારે બાબા મહાકાલ ધામમાં સવારે બે કલાક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો અને પછી આરતીના દર્શનનો લાભ લીધો.
આરતી કર્યા પછી બંને ગર્ભ ગૃહની અંદર પહોંચ્યા અને પૂજારી દ્વારા થતા અભિષેકનો લાભ લઈને મહાદેવના આશીર્વાદ લીધા. ગર્ભ ગૃહમાં પ્રવેશતા પહેલા અક્ષર પટેલે ધોતી પહેરી હતી. જ્યારે તેની પત્ની પીળા રંગની સાડીમાં સજ્જ થઈને મંદિર પહોંચી હતી.
અક્ષર પટેલે જણાવ્યું હતું કે તે ઈન્દોર રાહુલ દ્રવિડ સાથે પહોંચ્યો હતો. આ પહેલા તેણે વર્ષ 2016માં મહાકાલના દર્શન કર્યા હતા. જોકે તે સમયે તે ભસ્મ આરતીનો લાભ લઈ શક્યો ન હતો. આ પહેલી વખત છે જ્યારે તે ભસ્મ આરતીમાં સામેલ થઈ શક્યો છે. અક્ષર પટેલે મહાદેવના દર્શન કરીને કહ્યું હતું કે ભસ્મ આરતીનો લાભ લઈને અલૌકિક આનંદ પ્રાપ્ત થયો છે.
મહત્વનું છે કે અક્ષર પટેલ મંદિરમાં હોવાની વાત સામે આવતા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો પણ અક્ષર પટેલને જોવા અને તેની સાથે ફોટો ક્લિક કરાવવા ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ એક માર્ચથી શરૂ થશે. તેવામાં તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા ક્રિકેટર ઈન્દોર પહોંચીને મહાદેવના આશીર્વાદ લેવા પણ આવી રહ્યા છે. અક્ષર પટેલ પહેલા અહીં કે એલ રાહુલ દર્શન કરી ચૂક્યા છે. તેણે પણ તાજેતરમાં જ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો :-