અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક અકસ્માત : કાર ચાલકે ટેમ્પો સહિત ૪ વાહનોને લીધા અડફેટે

Share this story
  • અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત, પોલીસે કાર ચાલકની કરી અટકાયત.

ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઈસ્કોન બ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે.

ગત રાતે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે ટેમ્પો, એક કાર અને ૨ રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેક મારવાને બદલે દબાવ્યું એક્સીલેટર :

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તા પર ટાઈટેનિયમ સિટી નજીક ગઈકાલે રાત્રે એક વૃદ્ધ કાર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓની કાર એક લોડિંગ ટેમ્પોની સાથે અથડાઈ હતી.

જે બાદ તેઓ ગભરાઈ ગયા હતા અને બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતા તેમની કારે અન્ય એક કાર અને બે રિક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ તેમની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પાંચ વાહનોને નુકસાન, ૨ લોકો ઈજાગ્રસ્ત :

અકસ્માતને પગલે રાહદારીઓનો ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં વૃદ્ધની કાર, બે રિક્ષા, એક ટેમ્પો અને એક ગાડી સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે કારચાલકની અટકાયત કરી હતી. હાલ ઘટનાને પગલે આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-