આપના નેતા સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી

Share this story

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ ફરી એકવાર સંજય સિંહને રાજ્યસભાના સભ્ય બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી બાજુ સ્વાતિ માલીવાલને આપ પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજય સિંહની સહી લેવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી છે. સંજય સિંહની અરજી પર સુનાવણી કર્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે જેલમાંથી નોમિનેશન ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. અરજદારે રાજ્યસભામાંથી ‘એનઓસી’ મેળવવી પડશે, જેમાં સંજય સિંહની સહી જરૂરી છે. તેઓ ૨૦૧૮માં દિલ્હીથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આંદોલનના સમયથી અરવિંદ કેજરીવાલના સાથી રહેલા સંજય સિંહનું પક્ષમાં મોટું સ્થાન છે. તેઓ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંસદીય દળના નેતા પણ છે.

સંજય સિંહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે ૪ ઓક્ટોબરે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ૮ દિવસ સુધી EDની કસ્ટડીમાં રહ્યા બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તિહારમાં જ છે. તેમણે હવે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આપ તરફથી પહેલીવાર સ્વાતિ માલીવાલને પણ રાજ્યસભા સભ્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સંજય સિંહ અને એન.ડી.ગુપ્તાને ફરીવાર રાજ્યસભા સભ્ય બનાવાશે.

આ પણ વાંચો :-