સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના બની હતી. ધવલ જાદવ નામનો યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચઢી ગયો હતો. ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. નશાની હાલતમાં રહેલા યુવકને નીચે ઉતારવા માટે લોકોએ રાડા રાડ કરી મૂકી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડ્યો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો. જેથી ટ્રેનોને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે. આ કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે ઉપરાંત સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને RPFના જવાનો પણ દોડતા થઈ ગયા હતા. યુવકનું રેસ્ક્યૂ કરવા હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો.તે નશામાં હોવાથી હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી ડાન્સ કરતો હતો.
ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા અને આ યુવકને સમજાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ તે નહીં સમજતાં તેને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓએ તેને પકડી પાડ્યો હતો. રૂપિયા અને મોબાઇલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. યુવકની પૂછપરછ કરતાં પોતે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર મહેશ પટેલે કહ્યુ કે, ફાયરની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી હતી. ધવલ પાસે પથ્થર પણ હતો. જેથી મારી દેવાનો ડર હતો. 3 કલાક સુધી રેલ વ્યવહાર અટકતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી ઉપર ચઢ્યો હતો. 2 વાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. રેલવે એન્જીન અને સીડીની મદદથી તેને નીચે ઉતરવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમદ બાદ ફાયરની ટીમે ધવલને નીચે ઉતાર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચઢ્યો હતો.
આ પણ વાંચો :-