અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર વિદ્યાર્થિનીઓને બતાવ્યો અશ્લીલ વીડિયો

Share this story

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના લંપટ શિક્ષકની કાળી કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક દ્વારા ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાલીઓ દ્વારા સ્કૂલે જઈને હોબાળો મચાવવામાં આવતા લંપટ શિક્ષકને છૂટો કરી દેવામાં આવ્યો છે. તો આ મામલે વાલીઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

કરાટેના શિક્ષકના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. સાથે જ વાલીઓએ આવું કૃત્ય કરનારા કરાટેના શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચીને વિરોધ નોંધાવતા પોલીસનો કાફલો એકલવ્ય સ્કૂલ ખાતે દોડી આવ્યો હતો.