સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને ખાણીપીણીની સુવિધા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલું ‘ઉડાન યાત્રી કેફે’ માત્ર 8 મહિનામાં જ બંધ થઈ ગયું છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું આ કેફે વધુ ભાડાના કારણે બંધ કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે.


મળતી માહિતી મુજબ, કેફેનું સંચાલન કરતી એજન્સીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ને લેખિતમાં જાણ કરી હતી કે ભાડા સહિતના અન્ય ખર્ચ તેની આવક કરતાં વધી રહ્યા છે. જેના કારણે આ વ્યવસાય આર્થિક રીતે ચલાવવો મુશ્કેલ બન્યો હતો. અંતે એજન્સીએ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
મુસાફરોને એરપોર્ટ પર પોસાય તેવા ભાવે ખાણીપીણીની વસ્તુઓ મળી રહે તે હેતુથી આ કેફે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, શરૂઆતના માત્ર 8 મહિનામાં જ કેફે બંધ થતાં એરપોર્ટ પર આવી સુવિધા ચલાવવાની વ્યવહારિકતા અને ભાડાની શરતો અંગે સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે કેફે ફરી શરૂ કરવા માટે આગામી સપ્તાહની શરૂઆતમાં નવું ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી રહી છે. નવી એજન્સીની પસંદગી થયા બાદ કેફે ફરી શરૂ થવાની શક્યતા છે. જોકે, નવા ટેન્ડરમાં ભાડાની શરતો શું રહેશે અને કેફે ફરી ક્યારથી શરૂ થશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.








