ઈ-મેમો ભરવામાં બેદરકારી હવે ભારે પડી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર મોટી સંખ્યામાં ઈ-ચલાન જારી કરવાથી કામ નહીં ચાલે, પરંતુ તેની બાકી વસૂલાત માટે અસરકારક વ્યવસ્થા જરૂરી છે. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈ-મેમો હેઠળ લગભગ રૂ. 45,000 કરોડની રકમ વસૂલવાની બાકી છે, જ્યારે આશરે રૂ. 25,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે.
વીજળીના બિલ સાથે ઈ-મેમો જોડવાનો વિકલ્પ
જસ્ટિસ જે.બી. પારડીવાલાએ સૂચવ્યું હતું કે ઈ-મેમો ન ભરનારાઓ પાસેથી વસૂલાત માટે બાકી દંડને વીજળીના બિલ સાથે જોડવાની શક્યતા પર વિચાર કરી શકાય. તેમનું કહેવું હતું કે વીજ બિલ જેવી જરૂરી ચુકવણી સાથે દંડ જોડવાથી વસૂલાત વધુ અસરકારક બની શકે. જોકે, હાલ આ સૂચન છે, અમલમાં આવેલો નિયમ નથી.
RC અને વાહન સંબંધિત કામમાં અડચણ
પેન્ડિંગ ઈ-મેમો ધરાવતા વાહનોની રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) રિન્યૂઅલ અટકાવવા, ડુપ્લિકેટ RC ન આપવા અને વાહનની માલિકી ટ્રાન્સફર પર રોક મૂકવા જેવા પગલાં અંગે કોર્ટએ ચર્ચા કરી હતી. એટલે બાકી ઈ-મેમોનું સમાધાન ન થાય ત્યાં સુધી વાહન સંબંધિત મહત્વના કામો અટકી શકે છે.
ડ્રાઈવિંગ લાઇસન્સ, PUC અને ફિટનેસ સર્ટિફિકેટ પર અસર
કોર્ટે પેન્ડિંગ ઈ-મેમો ધરાવતા વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ અને PUC સર્ટિફિકેટ ન આપવાની શક્યતા અંગે પણ સૂચન કર્યું હતું. સાથે જ ડ્રાઈવિંગ લાઇસન્સના રિન્યૂઅલને રોકવા અને પહેલેથી જ જારી થયેલા લાઇસન્સને સસ્પેન્ડ કરવા જેવા વિકલ્પો પર પણ ચર્ચા થઈ હતી.
બ્લેકલિસ્ટિંગ અને વાહન જપ્તી સુધીની કાર્યવાહી
બાકી ઈ-મેમો ધરાવતા વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા અને રેન્ડમ ચેકિંગ દરમિયાન આવા વાહનો મળી આવે તો જરૂરી હોય ત્યારે તેને જપ્ત કરવાની કાર્યવાહી અંગે પણ કોર્ટએ સૂચન કર્યું હતું. એટલે જૂનો ઈ-મેમો લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવો વાહનચાલક માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.
કુલ મળીને, સુપ્રીમ કોર્ટનો ભાર ઈ-મેમો જારી કરવા કરતાં તેની વાસ્તવિક વસૂલાત સુનિશ્ચિત કરવા પર છે. તેથી વાહનચાલકોએ પોતાના વાહન પર કોઈ પેન્ડિંગ ઈ-મેમો છે કે નહીં તે તપાસીને સમયસર તેનો નિકાલ કરવો વધુ સુરક્ષિત રહેશે.








