નીટ પેપર લીક મુદ્દે સરકારના કડક વલણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો Gen Zને સંબોધતો વીડિયો અચાનક ભારતમાં ફેસબુક પર જોવા મળતો બંધ થઈ ગયો હતો. વીડિયોની જગ્યાએ “કાનૂની વિનંતિના કારણે આ કન્ટેન્ટ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી” એવો સંદેશ દેખાતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, થોડા કલાકોમાં વીડિયો ફરી ઉપલબ્ધ થતાં સમગ્ર મામલાનો ખુલાસો થયો.
મળતી માહિતી મુજબ, આ વીડિયો ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કોઈ સરકારી આદેશ અથવા ઇરાદાપૂર્વક બ્લોક કર્યો નહોતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર ટેક્નિકલ ગ્લિચનું પરિણામ હતું. ભૂલ સુધાર્યા બાદ વીડિયો ફરીથી સામાન્ય રીતે ઉપલબ્ધ કરાયો અને મેટાએ આ ઘટનાને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો ક્યારેય કાયમી રીતે દૂર કરવામાં આવ્યો નહોતો અને સમગ્ર સમય દરમિયાન પ્લેટફોર્મ પર સક્રિય રહ્યો હતો. કેટલીક ક્ષણો માટે થયેલી ટેક્નિકલ ખામીના કારણે કેટલાક વપરાશકર્તાઓને કાનૂની પ્રતિબંધનો સંદેશ દેખાયો હતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ.
સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મેટા પાસેથી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા માંગવામાં આવી શકે છે. શરૂઆતમાં નોટિસમાં કયા કાયદા અથવા કઈ સત્તાધિકારીની વિનંતિના આધારે પ્રતિબંધ મૂકાયો હતો તેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા હતા.
ઉલ્લેખનીય છે કે જે વીડિયોને લઈને વિવાદ થયો હતો તેમાં વડાપ્રધાન મોદીએ નીટ પેપર લીક સહિત જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા વધુ કડક પગલાં લાવવાનો સંકેત આપ્યો હતો. હવે મેટાના સ્પષ્ટીકરણ બાદ સ્પષ્ટ થયું છે કે સમગ્ર વિવાદ પાછળ કોઈ કાનૂની કાર્યવાહી નહીં પરંતુ ટેક્નિકલ ખામી જવાબદાર હતી.