વોશિંગ્ટનઃ અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો આપતા ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકન સંસદના બંને ગૃહોમાં બહુમતી મેળવી લીધી છે. આ જીત સાથે ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
આ ચૂંટણી ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળની મહત્વપૂર્ણ રાજકીય કસોટી માનવામાં આવતી હતી. વધતી મોંઘવારી, ઇમિગ્રેશન નીતિ, ઈરાન સાથેનું યુદ્ધ અને સરકારની કામગીરી સામેની નારાજગી જેવા મુદ્દાઓએ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
સેનેટમાં ડેમોક્રેટ્સને 54 બેઠકો
એક અહેવાલ મુજબ, 4 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં 54 બેઠકો મેળવી હતી, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 42 બેઠકો મળી હતી. બીજી તરફ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સે 227 બેઠકો મેળવી હતી, જ્યારે રિપબ્લિકન પાર્ટી 134 બેઠકો પર રહી હતી.
આ પરિણામોથી ટ્રમ્પ માટે આગામી બે વર્ષનો રાજકીય માર્ગ મુશ્કેલ બની શકે છે. હવે સંસદમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ હોવાથી ટ્રમ્પ સરકારના અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો સામે પડકાર ઊભો થઈ શકે છે.
ટ્રમ્પે ચૂંટણી પરિણામ સ્વીકારવાની તૈયારી દર્શાવી
ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા નુકસાન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પરિણામ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી મહિનાઓમાં ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છે અને બંને પક્ષો કોઈને કોઈ રસ્તો શોધી લેશે.
ટ્રમ્પે અગાઉ પણ સંકેત આપ્યો હતો કે આગામી બે વર્ષમાં તેઓ પોતાના વીટો અધિકારનો ઉપયોગ કરીને સરકાર ચલાવશે. હવે બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનું બહુમતી નિયંત્રણ હોવાથી રાજકીય ખેંચતાણ વધવાની શક્યતા છે.
ભારતીય મૂળના નેતાઓનો પણ દબદબો
આ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકન નેતાઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ડેમોક્રેટિક નેતા રો ખન્નાએ કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ફરી જીત મેળવી છે. જ્યારે એમી બેરાએ પણ કેલિફોર્નિયાના ત્રીજા ડિસ્ટ્રિક્ટમાંથી જીત મેળવી સતત આઠમી વખત હાઉસમાં સ્થાન જાળવી રાખ્યું છે.
આ ઉપરાંત સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલર પણ ફરી ચૂંટણી જીતી છે.
અમેરિકાને મળ્યા પ્રથમ મુસ્લિમ સેનેટર
મિશિગનમાંથી ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ-સઈદે રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે તેઓ અમેરિકાના પ્રથમ મુસ્લિમ સેનેટર બન્યા છે. ચૂંટણીના પરિણામો ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી માટે મોટો રાજકીય સંકેત માનવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં અમેરિકાની નીતિઓ અને સંસદમાં સરકારના નિર્ણયોને લઈને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે સંઘર્ષ વધી શકે છે.








