દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે વિનાશક તાંડવ મચાવ્યું છે. દેશની ધરતી એક જ મિનિટની અંદર બે વખત પ્રચંડ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠતા સર્વત્ર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમેરિકાની ભૂસ્તર વૈજ્ઞાનિક સંસ્થા યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી, જ્યારે માત્ર 40 સેકન્ડ બાદ વધુ શક્તિશાળી 7.5 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ ભયંકર કુદરતી આપત્તિને પગલે સમગ્ર દેશમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.
પ્રારંભિક અંદાજો મુજબ ભૂકંપના કારણે મોટા પાયે જાનહાનિ અને મિલકતોને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોન્ટાલબાન અને મોરોન વિસ્તારની નજીક જમીનની અંદર લગભગ 10થી 22 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આ વિસ્તાર દેશની મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનરીઓ માટે પણ જાણીતો હોવાથી ચિંતામાં વધારો થયો છે.
રાષ્ટ્રીય રજાના દિવસે જ સર્જાયો મહાવિનાશ
આ વિનાશક ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે દેશમાં 1821ના ઐતિહાસિક સૈન્ય વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. રજાના કારણે મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આંચકા એટલા પ્રચંડ હતા કે અનેક બહુમાળી ઇમારતો પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી.
રાજધાની કરાકાસમાં આવેલી 22 માળની એક ગગનચુંબી ઇમારત સંપૂર્ણપણે તૂટી પડી હોવાનું જાણવા મળ્યું છે. તેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, કરાકાસના પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરા જેવા વિસ્તારોમાંથી પણ ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.
ચારેય તરફ આક્રંદ અને અંધારપટ્ટ
ભૂકંપના કારણે દેશના સાતથી વધુ રાજ્યોમાં વીજ પુરવઠો, ટેલિફોન સેવાઓ તેમજ પેટ્રોલ અને ગેસ સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજધાની કરાકાસની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા તબીબી તંત્ર પર ભારે દબાણ સર્જાયું છે.
ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. કાટમાળ નીચે ફસાયેલા પોતાના સ્વજનોને શોધવા માટે લોકો આક્રંદ કરી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે તેની અસર પડોશી દેશ કોલંબિયામાં પણ અનુભવાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આંતરરાષ્ટ્રીય મદદની અપીલ
વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિયોસદાદો કેબેલો અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, સેના અને અન્ય તમામ બચાવ એજન્સીઓને તાત્કાલિક કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. બચાવકર્મીઓ કાટમાળ હટાવીને જીવતા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે.
સરકારે આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને મિત્ર દેશો પાસેથી આર્થિક તેમજ તકનીકી સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. શરૂઆતમાં સુનામીની સંભાવનાને લઈને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વર્ષ 1967 પછી દેશે અનુભવેલો આ સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.