Sunday, Jun 21, 2026

રામ મંદિર દાન ગેરરીતિ મામલે CM યોગી સખત: ‘દોષિત કોઈ પણ હોય, બચશે નહીં’

2 Min Read

રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનની ગેરરીતિના મામલે તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રામ મંદિરની મુલાકાત લેવાના છે. તે પહેલાં સીએમ યોગીએ આ સમગ્ર મામલે કડક વલણ વ્યક્ત કર્યું છે. રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે આરોપી કેટલો પણ મોટો કે પ્રભાવશાળી કેમ ન હોય, દરેકનો હિસાબ લેવામાં આવશે.

રામદ્રોહીઓથી સાવચેત રહેવાની ચેતવણી
રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદ અને તપાસ વચ્ચે સીએમ યોગીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ચંદા ચોરીના મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પાસે આ મામલે કોઈ પુરાવા હોય તો તે નિર્ભય બની આગળ આવે અને SITને પુરાવા સોંપે. યોગીએ રામદ્રોહી તત્વોથી સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યાને બદનામ કરનારાઓ અને રામભક્તો પર ગોળીબાર કરાવનારાઓના ભ્રમમાં ન આવવું.

દાન ચોરીની તપાસમાં મોટો ખુલાસો
આ દરમિયાન રામ મંદિરમાં ચઢાવાની ચોરીને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SITએ હીરા જડિત હાર અને ચરણ પાદુકાને લઈને પણ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન સંબંધિત લોકો દ્વારા હીરા જડિત હાર અને ચરણ પાદુકા અંગે ગોળમટોળ જવાબ આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ ટીમે રામ મંદિરના પૂજારીને હાર અને ચરણ પાદુકા અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં પૂજારીએ જણાવ્યું કે ભગવાનને હાર અને ચરણ પાદુકા પહેરાવ્યા બાદ તે ટિન્નુ યાદવને પરત આપવામાં આવ્યા હતા.

બીજી તરફ ટિન્નુ યાદવે જણાવ્યું કે તેણે હાર અને ચરણ પાદુકા આભૂષણોની જવાબદારી સંભાળતા કૃષ્ણ દેવ તિવારી ઉર્ફે કે.ડી. તિવારીને સોંપી દીધા હતા. જોકે કે.ડી. તિવારીનું કહેવું છે કે તેમને હાર અને ચરણ પાદુકા મળ્યા જ નથી. કે.ડી. તિવારીએ વધુમાં જણાવ્યું કે તેમને ન તો સોનાની ઈંટ મળી છે અને ન તો કોઈ પ્રકારની રસીદ આપવામાં આવી છે. સમગ્ર મામલે SIT દ્વારા તપાસ ચાલુ છે.

Share This Article