Wednesday, Jun 17, 2026

આસામમાં વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ, પાયલટ સહિત 5 જવાનોના કરુણ મોત

2 Min Read

આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરબેઝ પર શનિવારે સવારે ભારતીય વાયુસેનાનું AN-32 કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગંભીર અકસ્માતમાં પાયલટ સહિત પાંચ જવાનોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

મૃતકોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે.

લેન્ડિંગ દરમિયાન થયો અકસ્માત
મળતી માહિતી મુજબ, વિમાન રૌરિયા એરબેઝ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને વિમાન બે ભાગમાં તૂટી ગયું હતું.

આ AN-32 કાર્ગો વિમાનનો ઉપયોગ સૈનિકો અને વિવિધ સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાની તપાસ માટે ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે.

દુર્ગમ વિસ્તારોમાં પણ ઓપરેશન માટે સક્ષમ AN-32
ભારતીય વાયુસેના પાસે હાલમાં આશરે 100 જેટલા એન્ટોનોવ AN-32 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ વિમાનોનો કાફલો છે. શરૂઆતમાં ભારતીય વાયુસેનાએ સોવિયેત સંઘ પાસેથી આવા 125 વિમાનો ખરીદ્યા હતા, પરંતુ હાલમાં લગભગ 100 વિમાનો જ સક્રિય સેવામાં છે.

AN-32 વિમાન વર્ષ 1980થી ભારતીય વાયુસેનાની મધ્યમ ક્ષમતાવાળી ટ્રાન્સપોર્ટ સેવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગરમ હવામાન તેમજ હિમાલય જેવા ઊંચા અને દુર્ગમ વિસ્તારોમાં પણ સફળતાપૂર્વક કામગીરી કરવાની તેની ક્ષમતાને કારણે તેને વાયુસેનાનું મહત્વપૂર્ણ વિમાન માનવામાં આવે છે. હાલ સમગ્ર દેશ શહીદ થયેલા પાંચ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે, જ્યારે વાયુસેના અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Share This Article