કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ વર્ષ 2026માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) લાગુ કરી હતી. તેને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા અને ટેકનિકલ સુધારાની દિશામાં એક મોટું પગલું ગણાવવામાં આવ્યું હતું. જોકે પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ આ સિસ્ટમને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોર્ડ પરીક્ષામાં જ્યાં અગાઉના વર્ષોની સરખામણીએ વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા, ત્યાં મોટી સંખ્યામાં સામે આવેલી ફરિયાદોએ OSM સિસ્ટમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
શું છે OSM એટલે કે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ?
OSM એટલે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ એક ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયા છે. તેના હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ (જવાબપોથીઓ)ને પહેલા સ્કેન કરવામાં આવે છે અને તેમની ડિજિટલ નકલો તૈયાર કરીને ઓનલાઈન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષકો કમ્પ્યુટરની સ્ક્રીન પર આ ઉત્તરવહીઓ જોઈને ગુણ આપે છે.
સીબીએસઈનું માનવું હતું કે આ સિસ્ટમ પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિની સરખામણીએ વધુ પારદર્શક, ચોક્કસ અને સમય બચાવનારી સાબિત થશે. અગાઉ ઉત્તરવહીઓ સીધી શિક્ષકોને મોકલવામાં આવતી હતી, જ્યાં તેઓ દરેક પાનું વાંચીને ગુણ આપતા હતા. પરંતુ આ વખતે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી હતી.
તૈયારીના દાવાઓ છતાં વધ્યો વિવાદ
સીબીએસઈનો દાવો હતો કે નવી સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં વ્યાપક સ્તરે તૈયારી કરવામાં આવી હતી અને તમામ સંભવિત ટેકનિકલ ખામીઓને દૂર કરવામાં આવી હતી. તેમ છતાં પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂલ્યાંકનમાં ગડબડીઓના આરોપો લગાવ્યા હતા. સતત સામે આવી રહેલા કિસ્સાઓએ બોર્ડના દાવાઓને કટઘરામાં ઊભા કર્યા છે.
વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ
શરૂઆતમાં બોર્ડ અને સરકારે આ આરોપોને ફગાવી દેતા સમગ્ર વિવાદને નિરાધાર ગણાવ્યો હતો. જોકે બાદમાં જ્યારે ટેકનિકલ ખામીઓ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકાર્યું કે મૂલ્યાંકન પ્રક્રિયામાં ભૂલો થઈ છે.
સીબીએસઈએ પણ ટેકનિકલ સમસ્યાઓને સ્વીકારી સંભવિત ગડબડીઓની નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન 18 લાખથી વધુ પરીક્ષાર્થીઓમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો માંગેલી હતી.
પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પણ વિવાદમાં
ઉત્તરવહીઓના ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે સીબીએસઈએ 1 જૂનથી પોતાનું પોર્ટલ ફરી શરૂ કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નહોતું. ત્યારબાદ પણ સતત ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદો સામે આવતી રહી હતી.
વિવાદ વધતા કેન્દ્ર સરકારે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરી દીધી હતી. જોકે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસની વિદ્યાર્થી અને યુવા એકમોએ આ મુદ્દે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. દેશના વિવિધ શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી રહી છે.
વિવાદિત કંપનીના સર્વર પરથી ડેટા હટાવવામાં આવ્યો
આ દરમિયાન સીબીએસઈએ ધોરણ 12ની ઉત્તરવહીઓ અને પુનઃમૂલ્યાંકન સંબંધિત ડેટાને હૈદરાબાદ સ્થિત કોમ્પ્ટ એડ્યુટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સર્વર પરથી હટાવીને પોતાના સર્વર પર ટ્રાન્સફર કરી દીધો છે. આ એ જ ખાનગી કંપની છે, જેના કાર્યને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
જોકે ટેકનિકલ ખામીઓના આરોપો છતાં બોર્ડે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત ઉત્તરવહીઓની સ્કેનિંગનું કામ હજુ પણ આ જ કંપનીને સોંપેલું છે. આવી સ્થિતિમાં OSM સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ અંગે ઉઠેલા સવાલો હજુ સુધી સંપૂર્ણપણે શાંત થયા નથી.