અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડીને ડ્રગ્સ તસ્કરી, મની લોન્ડરિંગ, હવાલા અને બેનામી સંપત્તિના વિશાળ નેટવર્કની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી દેશવ્યાપી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ડ્રગ્સ સિન્ડિકેટના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સલીમ ડોલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરીના મોટા નેટવર્કનું સંચાલન કરતો હતો. આ નેટવર્ક મારફતે વિવિધ દેશોમાં પ્રતિબંધિત માદક પદાર્થોની હેરફેર કરવામાં આવતી હતી અને તેમાંથી હજારો કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી થતી હતી. તાજેતરમાં ભારત સરકારે તુર્કિયેથી સલીમ ડોલાનું પ્રત્યાર્પણ કરાવી તેને ભારત લાવ્યો હતો, ત્યારબાદ તપાસ એજન્સીઓએ તેની વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ બનાવી છે.
ઈડી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ એવા લોકો અને સંસ્થાઓને નિશાન બનાવ્યા છે, જેઓ સલીમ ડોલાના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.
તપાસનો ફોકસ ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયરો, કેમિકલ ટ્રેડરો, મધ્યસ્થીઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોન (MD)ના ઉત્પાદકો અને વિતરકો પર છે. ઉપરાંત હવાલા મારફતે નાણાંની હેરફેર કરનાર ઓપરેટરો અને બેનામી સંપત્તિ ધરાવતા લોકો પણ તપાસના ઘેરામાં આવ્યા છે.
PMLA હેઠળ ચાલી રહી છે તપાસ
આ સમગ્ર કેસમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાથીદારો વિરુદ્ધ નોંધાયેલી અનેક FIRના આધારે આ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ FIRમાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર હેરફેરના ગંભીર આરોપો સામેલ છે.
ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન અત્યંત સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ગુનાહિત નેટવર્કના પુરાવા મળ્યા છે. આ ગેંગ પ્રીકર્સર કેમિકલ્સની ખરીદી, ગુપ્ત રીતે મેફેડ્રોન (MD)નું ઉત્પાદન, વિવિધ રાજ્યોમાં ડ્રગ્સનું વિતરણ અને વિદેશોમાં તેની તસ્કરી જેવા કાર્યોમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે.
હવાલા મારફતે કરોડોની કાળાધન હેરફેર
તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાંથી મળતી આવકને હવાલા ચેનલો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી હતી. આ પ્રક્રિયા દ્વારા નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવામાં આવતો હતો અને કાળાધનને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોના નામે જમીનો, મકાનો, વ્યાવસાયિક મિલકતો અને અન્ય રોકાણોમાં કરવામાં આવ્યો હતો. ઘણી સંપત્તિઓ બેનામી નામે ખરીદવામાં આવી હોવાના સંકેતો પણ મળ્યા છે, જેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાકીય સલાહકારોની ભૂમિકા પણ તપાસ હેઠળ
ઈડીની ટીમ હાલ સમગ્ર નેટવર્કની નાણાકીય લેવડદેવડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ કેમિકલ ફેક્ટરીઓથી લઈને નાણાકીય વ્યવહારો સંભાળતા લોકો સુધી વિસ્તર્યો છે. તેમાં એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), નાણાકીય સલાહકારો અને અન્ય વ્યાવસાયિકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.
અધિકારીઓ એ પણ શોધી રહ્યા છે કે હવાલા મારફતે મોકલાયેલા નાણાંનો ઉપયોગ ભારતમાં અને વિદેશોમાં કઈ રીતે સંપત્તિઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, બેંક રેકોર્ડ, ડિજિટલ ડેટા અને અન્ય મહત્વના પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસાની શક્યતા
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ કાર્યવાહી માત્ર એક વ્યક્તિ કે ગેંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના તાર અનેક દેશો સુધી ફેલાયેલા હોઈ શકે છે. ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવી રહેલા પુરાવાઓના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડો, સંપત્તિ જપ્તી અને નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.
સલીમ ડોલા સામેની આ કાર્યવાહી દેશની સૌથી મોટી ડ્રગ્સ અને મની લોન્ડરિંગ તપાસોમાંની એક માનવામાં આવી રહી છે. જો તપાસમાં સામે આવેલા પ્રાથમિક તારણો સાચા સાબિત થાય, તો હજારો કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અને હવાલા નેટવર્કનો મોટો ભાંડો ફૂટે તેવી સંભાવના છે.