સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે ગેંગરેપ અને બાળકના સામૂહિક યૌન ઉત્પીડનના કેટલાક આરોપોમાં તેમને રાહત આપી છે, જોકે સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય કેસમાં તેમની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણય બાદ લોકોમાં ફરી પ્રશ્નો ઊભા થયા છે કે આખો કેસ શું હતો, આસારામ કોણ છે અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે.
હાઈકોર્ટે કયા આરોપોમાં રાહત આપી?
રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આસારામને IPCની કલમ 376(D) હેઠળના ગેંગરેપના આરોપ અને પોક્સો કાયદાની કલમ 5(G)/6 હેઠળના બાળકના સામૂહિક યૌન શોષણના આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ઉપરાંત કોર્ટે આપરાધિક ષડયંત્ર સાથે જોડાયેલી IPC કલમ 120(B) હેઠળ પણ તેમને દોષમુક્ત જાહેર કર્યા છે. જોકે, સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય આરોપમાં તેમની સજા યથાવત રાખવામાં આવી છે. એટલે કે આસારામ સામેની આજીવન કેદની સજા ચાલુ જ રહેશે.
હાલ આસારામ ક્યાં છે?
હાલ આસારામ અસ્થાયી જામીન પર બહાર છે. સોમવારે અદાલતે તેમના આગોતરા જામીનની મુદત વધુ લંબાવી હતી. આરોગ્ય કારણોસર તેમને સમયાંતરે તાત્કાલિક રાહત આપવામાં આવતી રહી છે.
આખો કેસ શું હતો?
આ મામલો વર્ષ 2013માં સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની એક સગીરાએ આસારામ પર જોધપુર સ્થિત આશ્રમમાં બોલાવી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આસારામની ધરપકડ કરવામાં આવી હતી અને લાંબી કાનૂની કાર્યવાહી બાદ 2018માં જોધપુરની વિશેષ પોક્સો અદાલતે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
કેસ દરમિયાન આસારામ અને તેમના આશ્રમ સાથે જોડાયેલા અનેક વિવાદો સામે આવ્યા હતા. સાક્ષીઓને ધમકાવવાના અને દબાણ લાવવાના આરોપો પણ લાગ્યા હતા.
કોણ છે આસારામ?
આસારામનું મૂળ નામ અસુમલ હરપલાની છે. તેમનો જન્મ એપ્રિલ 1942માં હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના બેરાની ગામમાં થયો હતો. 1947ના ભાગલા બાદ તેમનો પરિવાર ભારતમાં આવી અમદાવાદમાં વસ્યો હતો. સાઠના દાયકામાં તેમણે લીલાશાહને પોતાના ગુરુ બનાવ્યા હતા. ત્યારબાદ તેમને “આસારામ” નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1972માં અમદાવાદ નજીક મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે તેમણે પોતાનો પહેલો આશ્રમ શરૂ કર્યો હતો. બાદમાં તેમનો આશ્રમ અને આધ્યાત્મિક પ્રભાવ ગુજરાતથી લઈને દેશના અનેક રાજ્યો સુધી ફેલાયો હતો.
દેશભરમાં ફેલાયેલું આશ્રમ નેટવર્ક
એક સમયે આસારામના દેશભરમાં સૈંકડો આશ્રમો, ગુરુકુલો અને અનુયાયીઓ હતા. લાખો લોકો તેમને આધ્યાત્મિક ગુરુ માનતા હતા. પરંતુ 2013 બાદ લાગેલા ગંભીર આરોપો અને કોર્ટ કેસોને કારણે તેમની છબી પર મોટો પ્રહાર થયો હતો. હાલ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ ફરી એકવાર આસારામ અને તેમના કેસને લઈને ચર્ચા તેજ બની છે.