Tuesday, May 19, 2026

રખડતા કૂતરા કેસમાં સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી, જાણો NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?

2 Min Read

સુપ્રીમ કોર્ટે જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા કૂતરાઓને હટાવવાના પોતાના અગાઉના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ડોગ લવર્સ દ્વારા કરવામાં આવેલી અરજીને નામંજૂર કરતા સ્પષ્ટ કર્યું છે કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો આદેશ યથાવત રહેશે.

ડોગ લવર્સ અને પશુપ્રેમી સંગઠનોએ જાહેર સ્થળોથી કૂતરાઓને હટાવવાના આદેશમાં રાહત આપવા માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણય બાદ હવે દેશભરના જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને દૂર કરવાની કાર્યવાહી વધુ તેજ બની શકે છે.

NHAIએ કોર્ટમાં શું દલીલ કરી?
સુનાવણી દરમિયાન બેન્ચે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) તરફથી રજૂ કરાયેલી દલીલો પણ સાંભળી હતી. તેમાં 7 નવેમ્બર 2025ના સુપ્રીમ કોર્ટના આદેશના અમલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અદાલતે NHAIને રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવા અને રસ્તાની બાજુમાં વાડ લગાવવાના નિર્દેશ આપ્યા હતા.

અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ને પણ પશુ આશ્રયસ્થળો અને પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રો માટે મંજૂરી માંગતી એનજીઓની અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવા સૂચના આપી હતી. બેન્ચે AWBIના વકીલને કહ્યું હતું કે, “અરજી સ્વીકારો કે ફગાવો, પરંતુ ઝડપથી કાર્યવાહી કરો.”

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે વકીલે જણાવ્યું કે 7 નવેમ્બરના આદેશ બાદ વિવિધ સંગઠનો તરફથી આવી અરજીઓમાં અચાનક વધારો થયો છે.

શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે 7 નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી કરી હતી. આ આદેશમાં અધિકારીઓને સંસ્થાકીય વિસ્તારો અને રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે 13 જાન્યુઆરીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જો કૂતરાના હુમલાની ઘટનાઓ ચાલુ રહેશે તો રાજ્યોને ભારે વળતર ચૂકવવાનું કહેવામાં આવશે. સાથે જ જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવનાર લોકોને પણ જવાબદાર ઠેરવવાની ચેતવણી આપવામાં આવી હતી.

અદાલતે છેલ્લા પાંચ વર્ષથી રખડતા પશુઓ સંબંધિત નિયમોના યોગ્ય અમલ ન થવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્ર અને નગરપાલિકાઓ પર કડક અમલવારી માટે દબાણ વધ્યું છે.

Share This Article