ભોપાલમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોતને ભેટેલી ટ્વિશા શર્મા માત્ર એક સામાન્ય ગૃહિણી નહોતી, પરંતુ ખૂબ જ પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી યુવતી હતી. MBA સુધી અભ્યાસ કરનાર ટ્વિશાએ માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પૂર્વ મિસ પુણે રહી ચૂકી હતી અને યોગ ટ્રેનર તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. ડેટિંગ એપથી શરૂ થયેલી લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ લગ્નના માત્ર પાંચ મહિનામાં જ તેનું જીવન દુઃખદ અંત સુધી પહોંચી ગયું. મોત પહેલા માતા અને મિત્રોને મોકલેલા ભાવુક મેસેજોએ અનેક સવાલો ઉભા કર્યા છે કે શું ટ્વિશા ખરેખર માનસિક રીતે પરેશાન હતી કે પછી આ મામલે કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે?
ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માએ MBA સુધી અભ્યાસ કર્યો હતો અને લગ્ન પહેલાં દિલ્હીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તેણે તેલુગુ ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગલ્લુ’માં પણ અભિનય કર્યો હતો.
ટ્વિશાનો કારકિર્દી માર્કેટિંગ, કમ્યુનિકેશન અને ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલો હતો. એક કથિત LinkedIn પ્રોફાઈલ મુજબ તેણે પોતાને ડાયનેમિક પ્રોફેશનલ તરીકે રજૂ કરી હતી, જેને માર્કેટિંગ સાથે અભિનય અને ફિલ્મ નિર્માણમાં પણ રસ હતો. પ્રોફાઈલમાં ઉલ્લેખ હતો કે તેણે મુંબઈની કંપની ફ્લેવર પોટ ફૂડ્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું હતું. પછી તે જર્મન એકેડમી ઓફ ડિજિટલ એજ્યુકેશન (DADB)માં કમ્યુનિકેશન અને ઓનબોર્ડિંગ મેનેજર તરીકે પણ રહી હતી. ઉપરાંત તે પ્રમાણિત યોગ ટ્રેનર અને વિપશ્યના મેડિટેશનની સાધિકા પણ હતી.
માતાને મોકલ્યા હતા ભાવુક મેસેજ
મોત પહેલા ટ્વિશાએ પોતાની માતા અને મિત્રોને કેટલાક ભાવુક વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજોમાં તેણે પોતાની માનસિક પરેશાની અને લગ્નજીવનમાં “ફસાઈ ગઈ” હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
એક મેસેજમાં તેણે પોતાની માતાને લખ્યું હતું, “મને અહીં શા માટે મોકલી? આ વ્યક્તિ મારી સાથે વાત પણ કરતો નથી.” બીજા મેસેજમાં તેણે લખ્યું હતું, “મમ્મી, મારું જીવન નરક બની ગયું છે.” મિત્ર સાથેની વાતચીતમાં ટ્વિશાએ કહ્યું હતું કે ઘરે બેસી રહેવાના કારણે તે ચિંતામાં હતી અને જીવનમાં કંઈક કરવું માંગતી હતી.
પરિવારની ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ
ટ્વિશાના મોત બાદ તેના પરિવારજનોએ ભોપાલમાં મુખ્યમંત્રી નિવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને AIIMS દિલ્હી ખાતે ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ ઉઠાવી હતી. પરિવારનો આરોપ છે કે ન્યાય મેળવવા માટે તેમને સતત અધિકારીઓના ચક્કર લગાવવા પડી રહ્યા છે. ટ્વિશાના પિતા નવનિધિ શર્મા અને તેના કઝિન આશિષ શર્માએ આરોપ લગાવ્યો હતો કે શરૂઆતમાં પોલીસ FIR નોંધવામાં પણ આનાકાની કરી રહી હતી.
SIT કરશે સમગ્ર મામલાની તપાસ
દહેજ હેરાનગતિના આરોપોની તપાસ માટે પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પરિવારજનોએ ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને તેમની માતા ગિરીબાલા સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારને આશંકા છે કે આરોપીઓનો પ્રભાવ તપાસને અસર કરી શકે છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.