પશ્ચિમ બંગાળમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અને 98 વર્ષીય માખનલાલ સરકારના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. માખનલાલ સરકારને પશ્ચિમ બંગાળમાં ભાજપના પાયાના મજબૂત સ્તંભ અને રાષ્ટ્રવાદી ચળવળના અગ્રણીઓમાં ગણવામાં આવે છે. વડાપ્રધાને તેમના દાયકાઓ જૂના સમર્પણ અને રાષ્ટ્રસેવાને બિરદાવી તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
માખનલાલ સરકારનો રાજકીય અને સામાજિક પ્રવાસ સ્વતંત્રતા પછીના રાષ્ટ્રવાદી આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલો રહ્યો છે. વર્ષ 1953માં ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા કાશ્મીરમાં તિરંગો ફરકાવવાના આંદોલન દરમિયાન તેઓ સક્રિય રીતે જોડાયા હતા. આ આંદોલન દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1980માં ભાજપની સ્થાપના થયા પછી તેમને પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓના સંગઠનાત્મક સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. માત્ર એક જ વર્ષમાં તેમણે 10 હજારથી વધુ લોકોને ભાજપ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
#WATCH | Kolkata | PM Modi felicitates and takes blessings of Makhanlal Sarkar, one of the most senior workers of the BJP in West Bengal.
— ANI (@ANI) May 9, 2026
In 1952, Makhanlal Sarkar was arrested in Kashmir while accompanying Syama Prasad Mukherjee during the movement to hoist the Indian… pic.twitter.com/gpmLISKYZ5
તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠન ક્ષમતાના કારણે તેઓ વર્ષ 1981થી સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા. તે સમયગાળામાં ભાજપમાં કોઈ પણ નેતા લાંબા સમય સુધી એક જ પદ પર રહેતા નહોતા, છતાં માખનલાલ સરકારની કાર્યશૈલી અને લોકપ્રિયતાને કારણે તેઓ સતત જવાબદારી સંભાળતા રહ્યા હતા. બંગાળ ભાજપના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા મુજબ, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાષ્ટ્રભક્તિના ગીતો ગાવાના કારણે દિલ્હી પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી.
માખનલાલ સરકારના જીવનનો એક પ્રેરણાદાયી પ્રસંગ પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. બદલે તેમણે ન્યાયાધીશ સમક્ષ પણ એ જ રાષ્ટ્રવાદી ગીત ગાયું હતું, જેના કારણે તેમની ધરપકડ થઈ હતી. તેમની આ નિર્ભયતા અને રાષ્ટ્રપ્રેમ જોઈને ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા હતા અને તેમને સન્માનપૂર્વક ઘરે મોકલવા માટે ફર્સ્ટ ક્લાસ ટિકિટ અને 100 રૂપિયાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. પીએમ મોદી દ્વારા આવા નિષ્ઠાવાન કાર્યકર્તાનું સન્માન કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં પણ નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો છે.