સુરત જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના ધામદોડ રોડ પર આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રહેતા એક 19 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર 9મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે, જેને કારણે કેમ્પસમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ પેન્ડલા પવનકુમાર રામાનાઈડું હતું, જે મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાનો રહેવાસી હતો. તે સુરતમાં અભ્યાસ માટે આવ્યો હતો અને યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહેતો હતો. ઘટનાના દિવસે તેણે હોસ્ટેલ બિલ્ડિંગના 9મા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો.
આ બનાવમાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આટલું ગંભીર પગલું ભરવાનું કારણ હજુ સુધી અકબંધ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે.