ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે નવી એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં બાળકના નામ સાથે માતા-પિતાની વિગતો કેવી રીતે દાખલ કરવી તેના સ્પષ્ટ માર્ગદર્શનો જાહેર કરવામાં આવેલા છે. ખાસ કરીને, હવે બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત રીતે લખવું પડશે, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ ઉપરાંત, જો બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક દાખલ કરવી હોય, તો તેના માટે જરૂરી આધાર દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ એડવાઇઝરી સમગ્ર રાજ્યના જન્મ-મરણ નોંધણી વિભાગોને મોકલાઈ છે અને સત્વરે અમલમાં પણ આવી રહી છે.
પિતાનું નામ ફરજિયાત રહેશે, પરંતુ કેટલાક કેસમાં છૂટછાટ અપાશે
આ એડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર, સામાન્ય પરિસ્થિતિમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે. પરંતુ, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. તે મુજબ જો માતા પિતા અલગ રહેતા હોય, કોર્ટ કસ્ટડી અલગ હોય. અથવા પિતાનું નામ દાખલ કરવું શક્ય ન હોય તેવા સંજોગોમાં, અરજદાર યોગ્ય દસ્તાવેજો રજૂ કરે તો પિતાનું નામ દાખલ કર્યા વિના પણ જન્મ પ્રમાણપત્ર મેળવવાનો અવકાશ રાખવામાં આવ્યો છે.
માતાનું નામ તથા અટક સાથે લખાવવા જરૂરી દસ્તાવેજો
એડવાઇઝરીમાં એક બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જો માતાનું નામ અને અટક બાળકના નામ પાછળ લગાવવી હોય, તો તે માટે કોર્ટનો કસ્ટડી ઓર્ડર અથવા તો અન્ય સત્તાવાર દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આની પાછળ, નામ દાખલ કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને કાયદાકીય રીતે સાચી વિગતો જ દાખલ થાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ રહેલો છે.
જો માત્ર બાળકનું નામ દાખલ કરવું હોય તો…
એડવાઇઝરીમાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે, ફક્ત બાળકનું નામ દાખલ કરીને પણ જન્મ પ્રમાણપત્ર મળવું શક્ય છે. એટલે કે બાળકનું નામ અને માતા અથવા પિતાની વિગતો આપવામાં સમસ્યા હોય, તો આવી પરિસ્થિતિમાં પણ પ્રસ્તાવિત દસ્તાવેજી પ્રક્રિયાઓ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ નવી એડવાઇઝરીનો હેતુ શો છે?
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, વર્ષોથી ચાલી રહેલી વિવિધ સમસ્યાઓ, કોર્ટ કેસો, કસ્ટડી સંબંધિત વિવાદો તથા પ્રમાણપત્ર સુધારણા અરજીઓને ધ્યાનમાં રાખતા, આ પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને કાયદેસર બનાવવાની જરૂર હતી.
નવી એડવાઇઝરીનો મુખ્ય હેતુ શો છે?
- બાળકના અધિકારોનું રક્ષણ કરવું
- અરજદારોને સ્પષ્ટ માર્ગદર્શન આપવું
- અધિકારીઓ માટે સમાન પદ્ધતિ લાગુ કરવી
- વિવાદ નિવારણમાં સરળતા રહે તે માટે
અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે
આ એડવાઇઝરીનું કડક પાલન કરવા માટે, રાજ્યના તમામ નગરપાલિકા, નગરપંચાયત અને ગ્રામ પંચાયતના જન્મ-મરણ નોંધણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ, દરેક જિલ્લાને એડવાઇઝરીની કોપી પણ મોકલવામાં આવી છે તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી શી રીતે કરવી તેની માર્ગદર્શિકાઓ પણ મોકલવામાં આવી છે.