Wednesday, Oct 29, 2025

નશામાં ધૂત NRI કારચાલકે નવસારીમાં એકસાથે ૫ વાહનોને લીધા અડફેટે, નબીરો કાર મૂકીને રફુચક્કર

2 Min Read
  • નવસારીના ખત્રીવાડમાં નશામાં ધૂત નબીરાએ બે કાર અને ત્રણ બાઈકને લીધા અડફેટે, અકસ્માત કરનાર નબીરાની કારમાંથી મળી આવી દારૂની બોટલ.

નડિયાદ બાદ હવે નવસારીમાં નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા બાદ હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ખત્રીવાડ વિસ્તારમાં ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત :

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો.

જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી :

સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

નડિયાદમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત :

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ નડિયાદના કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત ૩ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી.

ભારે ચહેલપહેલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો :-

 

Share This Article