Saturday, Sep 13, 2025

નવસારી શહેરને મેઘરાજાએ ધમરોળ્યું, ૬ ઈંચ વરસાદથી ખેરગામમાં જળબંબાકાર સ્થિતિ

2 Min Read
  • હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે ૬ વાગ્યાથી રાજ્યના ૭૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ૧૧ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર ૪૮ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ૨૦ કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે.

ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઈ ગયાં છે.

ખેરગામમાં ધોધમાર વરસાદ પડતાં ઔરંગા નદી પર આવેલા અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નાધઈ-મરલાને જોડતા ગરગડિયા પુલમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે પાટી અને ખટાણાને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

ચીમનપાડા-મરઘમાળને અને બહેજ કુટી ખડક અને ભમ્ભાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ સાનકુવા નાક તલાવડી પાંચથી છ ફૂટ ઘરોમાં પાણી ભરાયેલાં છે. જેની નગરપાલિકા કે કલેક્ટર ઓફિસમાં અરજી આપવા છતાં કોઈપણ પ્રકારનો પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

 

Share This Article