સુરતના લસકાણા વિસ્તારમાં એક 10 પાસ ડિગ્રી વગરના મૂળ પશ્વિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન તેની પ્રેગનન્ટ પત્નીને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી પોલીસે બોગસ ડોક્ટરની પત્નીને હોસ્પિટલ ખસેડી હતી અને ડિલિવરી થયા બાદ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ બોગસ ડોક્ટર 10 પાસ છે અને છેલ્લા દસ વર્ષથી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપી ડોકટર પોતે પીડીયાટ્રીશિય, ગાયનેકોલોજીસ્ટ, સર્જન અને ફિઝિશિયન હોવાનો દાવો કરતો રહેતો હતો. ક્લિનિક પરથી પોલીસ એલોપેથી દવા, ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ઝોન-1 એલ.સી.બી. શાખાના પોલીસને મળેલી બાતમી મળી હતી કે, લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી, સદભાવના શાળાની પાસે, પ્લોટ નં-389 માં “શ્રી લક્ષ્મી ક્લીનીક” ના નામથી દવાખાનુ ચાલી રહ્યું છે. જેમાં સારવાર કરતો ડોક્ટર બોગસ છે. આરોપી પોતે કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતા મેડીકલ પ્રેકટીસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખતો હતો.
બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવી દવાખાનામાં આવતા બિમાર દર્દીઓને સારવાર આપતો હતો. બોગસ ડોક્ટર 35 વર્ષીય મહીતોષભાઇ સંતોષભાઈ ચિંતપત્રો માત્ર દસ 10 પાસ હોય અને 10 વર્ષથી ડોકટરી પ્રેકટીસ કરતા ડિગ્રી વગરના ડોક્ટરને મેડીકલ સામાન તથા દવાઓનો જથ્થો કી. રૂ. 96,794ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, બાતમીના આધારે બોગસ ડોક્ટર પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી બોગસ ડોક્ટર મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો. તે મૂળ પશ્ચિમબંગાળનો વતની છે. તે પહેલા પશ્ચિમ બંગાળમાં ૩ વર્ષથી પ્રેક્ટીસ કરતો હતો. છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં પ્રેક્ટીસ કરે છે. તેની પાસે કોઈ ડીગ્રી નથી તે માત્ર ધો.૧૦ પાસ છે. તે દાવો કરતો હતો કે, તે ફીઝીશીયન છે, સર્જન છે, ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ છે. ગાયનોકોલોજીસ્ટ છે અને સારી બીમારીનો ઈલાજ તે કરે છે. હાલ તેની સામે બીએનએસની કલમ જેમાં મનુષ્યની જિંદગી જોખમમાં નાખવા અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.