સ્વચ્છતામાં નંબર વન સુરત ગુનાખોરી નાથવામા અને ગુના ઉકેલવામાં પણ ૯૯ ટકા સિધ્ધિ સાથે દેશમાં પ્રથમ ક્રમે

Share this story

સુરતના ૨૩મા પો.કમિ. તરીકે નિયુક્ત કરાયેલા અજયકુમાર તોમરે વિતેલા ત્રણ વર્ષમાં સુરતને ગુનાખોરીમાં નામશેષ કરી નાંખવા સાથે ગુના ઉકેલવામાં ૯૯ ટકા સિધ્ધિ હાંસલ કરીને અનેક ગુનેગારોને જેલમાં ધકેલી દીધા હતા

મીની ભારત ગણાતા સુરતની ૮૦ લાખની પચરંગી વસ્તી અને સામે માત્ર ૬૬૦૦નો પોલીસ સ્ટાફ છતાં અજયકુમાર તોમરે સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી માટે કરેલી કામગીરી દેશભરમાં ઉદાહરણરૂપ ગણી શકાય

સુરતમાં મધરાત્રે બહેન, દિકરી એકલી પસાર થઇ શકે છે. કારણ કે પોલીસ જાગે છે. સુરતનો એક પણ ખૂણો એવો બાકી રહ્યો નથી કે જ્યાં સીસી ટીવી કેમેરા ના હોય

અજયકુમાર તોમર કવિહૃદય છે, સારા વક્તા છે સારા ટીચર પણ છે પરંતુ ગુનેગારો માટે એટલા જ ખોફનાક છે. જ્યારે સામાજિક, પારિવા‌િરક ઘટનાઓમાં સકારાત્મક મધ્યસ્થિ કરીને ગુનો દાખલ કર્યા વગર જ ઉકેલ લાવવાની તેમની કુનેહ કાબીલેદાદ રહી છે

૨૧મી સદીના બદલાયેલા સંજોગો, નાગરિકોની પોલીસ પાસેથી વધતી જતી અપેક્ષા સહિતની દ્રષ્ટિએ અજયકુમાર તોમરે આદર્શ પોલીસ અધિકારીનો અભિગમ કેવો હોવો જોઇએ તેનું જીવંત ઉદાહરણ પુરું પાડ્યું

અપવાદરૂપ પોલીસ અ‌ધિકારીઓને બાદ કરતા વ‌રિષ્ઠ પોલીસ અ‌ધિકારીના પ્રશ્ને સુરત હંમેશા નસીબદાર રહ્યું છે. ખરેખર તો આ નસીબ પાછળ સુરતીઓની ખેલદીલી, ઉદારતા કારણભૂત ગણી શકાય. કોઈને પણ સ્વીકારી લેવાનો સુરતીઓનો સ્વભાવ રહ્યો છે અને કદાચ એટલે જ અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. આઝાદી પૂર્વેના કાળમાં સુરત કેવું હશે તેની કલ્પના કરી શકાય. સુરતના તાપી ‌કિનારેથી ‌વિશ્વમાં વેપાર થતો હતો અને એટલે જ કહેવાય છે કે સુરતના દ‌રિયા‌કિનારે ‌વિશ્વના ૮૪ દેશોના વાવટા એટલે કે ધ્વજ ફરકતા હતા. મતલબ સુરત ભૂતકાળમાં પણ ભવ્ય હતું અને આજે પણ ભવ્ય છે. આઝાદી પૂર્વે સુરતની વસ્તી કેટલી હતી તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી પરંતુ સુરતના વેપાર, વણજ વિશ્વમાં પથરાયેલા હતા તેનો ‌‌ઈ‌તિહાસ સાક્ષી રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ સુરતના રાણીતળાવ, ભાગાતળાવ, શાહપોર, નાણાવટ અને ગોપીપુરા વગેરે ‌વિસ્તારોમાં ઘરના ઓટલા ઉપર બેસીને સોનાનો વેપાર કરવામાં આવતો હતો. એકમાત્ર સુરતમાં રીઅલ સોનું અને રીઅલ ચાંદીના તારમાંથી ભરતગુંથણની કામગીરી થતી હતી. સુરતના સોના, ચાંદીના તારથી મઢેલા વસ્ત્રો આભુષણોનો ‌વિશ્વમાં વેપાર થતો હતો!

એ જમાનામાં પણ સુરતમાં કાયદો, વ્યવસ્થાના મામલે કોઈ જ ફ‌રિયાદ નહોતી. સુરતનો આખો ઈ‌તિહાસ ઢંઢોળવામાં આવે તો ૧૯૯૨ને બાદ કરતા ભૂતકાળમાં મોટા કોમી રમખાણો કે હત્યાકાંડ થયા હોવાની ક્યાંય પણ નોંધ નથી. આ એ જ સુરત છે જ્યાં ડચ લોકોના કબ્રસ્તાનોની આજે પણ જાળવણી કરવામાં આવી રહી છે.

ખેર, ૧૯૮૧ના ૧૦માં માસમાં સુરત શહેર પોલીસ ક‌મિશનરની જગ્યા ઊભી કરવામાં આવી એ પૂર્વે સુરતમાં ડીએસપી કક્ષાના અ‌ધિકારીથી પોલીસદળનો કારભાર ચલાવવામાં આવતો હતો અને સુરતના છેલ્લા ડીએસપી તરીકે કાવસજી દારૂવાળા હતા પરંતુ આ કાવસજી દારૂવાળા પણ સુરત શહેરના પ્રત્યેક ઘર, પ‌રિવાર સાથે નાતો ધરાવતા હતા. ૧૮-૧૦-૧૯૮૧માં સુરત શહેર પોલીસના પ્રથમ ક‌મિશનર તરીકે જાંબાઝ IPS અ‌ધિકારી બી.કે. ઝાની ‌નિમણૂંક કરવામાં આવી હતી. બી.કે. ઝાને પણ સુરતીઓએ હરખભેર વધાવી લીધા હતા. ખરેખર તો સુરતમાં દારૂની હેરાફેરી ‌સિવાય કાયદો, વ્યવસ્થાના પ્રશ્ને કોઈ ‌ચિંતા કરવા જેવું ન હતું અને દારૂ સામે સુરતીઓને આજે પણ વાંધો નથી. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ સુરતીઓને ક્યારે પણ દારૂબંધી નડી નથી.

ખેર, બી.કે. ઝા પછી મનમોહન મહેતા, પી.કે. બંસલ, એન.એલ. કલમા, જે.એસ. ‌બિન્દ્રા, આર. ‌સિબ્બલ, પી.કે. દત્તા, પી.સી. પાંડે, જી.સી. રાયગર, મણીરામ, કુલદીપ શર્મા, ‌વિનીત ગુપ્‍તા, સુધીર ‌સિન્હા, આર.એમ.એસ. બ્રાર, ‌દિપક સ્વરૂપ, ‌શિવાનંદ ઝા, રાકેશ આસ્થાના, આશીષ ભા‌િટયા, સતીષ શર્મા, આર.બી. બ્રહ્મભટ્ટ અને ૨૩માં ક‌મિશનર તરીકે અજયકુમાર તોમરની ‌નિમણૂંક કરવામાં આવી હતી.

સુરત શહેર પોલીસને ક‌મિશનરેટ બનાવ્યા પછીના ૨૩ ક‌મિશનરો પૈકી પી.કે. બંસલ, પી.સી. પાંડે, કુલદીપ શર્મા, સુધીર ‌સિન્હા, રાકેશ અસ્થાના આ એવા IPS અ‌ધિકારી હતા કે જેઓ સુરતમાં ભળી ગયા હતા. સુરતની વસ્તી અને ‌વિસ્તાર ક્રમશઃ વધતાે ગયો. પોલીસ ફોર્સ અને પોલીસ મથકોની સંખ્યા વધી ગઈ, પચરંગી સુરતને મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે છતાં આ એવા અ‌ધિકારીઓ હતા જેમણે જરૂર પડી ત્યાં ખાખીનો રોફ એટલે કાયદાનો ભય જરૂર દર્શાવ્યા હતો પરંતુ સરેરાશ આ અ‌ધિકારીઓએ લોકોની વચ્ચે રહીને ફરજ બજાવી હતી અને એટલે જ આજે પણ લોકો ક્યાંકને ક્યાંક વાતચીતના દોરમાં આ અ‌ધિકારીઓનો ઉલ્લેખ કરતા રહે છે કારણ આ એવા અ‌ધિકારીઓ હતા જેઓ સામા‌જિક અને પા‌રિવા‌રિક માળખાને ખૂબ નજીકથી સમજી શકતા હતા. પા‌રિવા‌રિક ‌વિવાદ કદાચ કાયદાની દૃ‌ષ્ટિએ ગુનો બનતો હોય તો પણ પ‌રિવારની ઈજ્જત બચાવવા થોડીવાર માટે કાયદાને બાજુએ મુકીને પ‌રિવારની વેદના સમજી શકતા હતા અને એટલે જ ઘર, પ‌રિવારની અંગત સમસ્યાઓનો આ અ‌ધિકારીઓ ‌હિસ્સો બનતા રહ્યા હોવાથી વધુને વધુ લોક‌પ્રિય બન્યા હતા.

આ બધાની વચ્ચે રાકેશ અસ્થાના એક જાંબાઝ IPS અ‌ધિકારી હોવા છતાં નખશીલ સુરતી બની ગયા હતા. લગભગ પ્રત્યેક સુરતીના સુખ અને દુઃખના પ્રસંગોમાં રાકેશ અસ્થાના ભાગીદાર બન્યા હતા. રાકેશ અસ્થાનાનો પોલીસદળમાં અને ગુનેગારોમાં ગજબનો ભય હતો તો લોકોમાં એટલો જ ‌વિશ્વાસ હતો. રાકેશ અસ્થાનાએ પાંચ વર્ષની લાંબી ફરજ બાદ ૨૦૧૬ના વર્ષમાં સુરત છોડ્યું હતું પરંતુ આજે પણ તેઓ સુરતનો ‌હિસ્સો બની રહ્યા છે. ગીત, સંગીત, ડાયરાના ગજબના શોખીન રાકેશ અસ્થાનાની સુરતની પ્રત્યેક મુલાકાત વખતે તેમના ‌મિત્રો, પ‌રિ‌ચિતોનો ગીત સંગીતના બહાને મેળાવડો જામતો રહે છે. બલ્કે, રાકેશ અસ્થાનાની સુરતની પ્રત્યેક મુલાકાત તેમના ચાહકો માટે ભેગા થવાનું એક બહાનું મળી જાય છે.

ખેર, રાકેશ અસ્થાના બાદ સુરતને મળેલા ક‌વિહૃદયી પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમરે પણ સુરતીઓને ગજબનું ઘેલું લગાડ્યું છે. બલ્કે, એવું કહી શકાય કે ખુદ અજયકુમાર તોમર ‘નખશીખ સુરતી’ બની ગયા છે. તેમની ક‌વિતાઓમાં તેમના વકતવ્યમાં સુરતીપણાનું દર્દ નીખરી આવે છે. પહેલી નજરે લોકોને અજયકુમાર તોમર ‘ભગ્નહૃદય’ના ક‌વિ, સા‌હિત્યકાર હોવાનો અહેસાસ થઈ આવે પરંતુ અજયકુમાર તોમર વ્ય‌‌ક્તિગત અને પા‌રિવા‌રિક જીવનમાં એક ખુશહાલ વ્ય‌ક્તિત્વ છે. દુઃખ, સંકટના સમયે પણ ખુશ કઈ રીતે રહી શકાય એ જાણવા માટે ખુદ અજયકુમાર તોમર એક જીવંત ઉદાહરણ ગણી શકાય. અજયકુમાર તોમર પોતે એક મૌ‌લિક વ્ય‌ક્તિત્વ છે. કોઈપણ ‌વિષય માટે તેમણે પૂર્વ તૈયારી કરવી પડતી નથી. સ્ટેજ ઉપર ઊભા થઇ જાય છે એટલે તેમના મોઢામાંથી જાણે અસ્ખ‌લિત અને સ્વયંભૂ શબ્દો વહેતા રહે છે. તેઓ એક સારા વકતા પણ છે. એક સારા ટીચર પણ છે અને ગુનેગારો માટે એક ખૂંખાર અ‌ધિકારી પણ છે. ગુનેગારો માટે કાળ છે તો બીજી તરફ મજબૂર અને કાયદાના ચક્કરમાં ફસાઈ ગયેલા ‌નિર્દોષ લોકોનાં એટલા જ હમદર્દ છે.

સામાન્ય રીતે કોઈપણ ઘટના વખતે ન્યાય તોળવાની સૌપ્રથમ ભૂ‌મિકા પોલીસની હોય છે. અજયકુમાર તોમર પોલીસ તપાસનો લાગેવળગે છે ત્યાં સુધી એક સારા ન્યાયાધીશ પણ છે. જ્યારે પણ સુરત અને સુરતીપણાની વાત કરવામાં આવે ત્યારે તેમની આંખોમાં ગજબની ચમક જોવા મળે છે. થોડા ‌દિવસ પહેલા સુરતમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સુરત માટેની લાગણી, સુરત માટેના તેમના પ્રેમભર્યા શબ્દો નીકળી પડ્યા હતા. ‌મિટ્ટી કો ‌મિલાદે કી જુદા હો નહીં શકતા… અબ ઈસ સે જ્યાદા મૈં તેરા હો નહીં શકતા…’ આ શબ્દોમાં તેમની સુરત માટે પ્રેમની લાગણી વહેતી હતી.

લગભગ ૮૦ લાખની વસ્તીથી ફાટફાટ અને પરપ્રાંતીય વસ્તીથી ઉભરાતા સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે કાયમી શાં‌તિ જાળવી રાખવાનું કઠીન છે. સુરતની એક તરફ ‌વિશાળ દ‌રિયાકાંઠો છે. હજીરાપટ્ટીમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. બીજી તરફ સુરતને અડીને આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર સતત વાહનોની લાંબી લાંબી કતારો વહેતી રહે છે. સુરતથી મુંબઈ, ‌દિલ્હી અને છેક કલકત્તાને જોડતા ધોરીમાર્ગ ઉપર માત્ર વાહનો જ નહીં ગુનેગારોની જાળ ‌બિછાયેલી હોય છે અને સમજી શકાય કે આ બધાનું લક્ષ્ય સુરત જ હોઈ શકે પરંતુ નસીબ ગણો કે ગુનાખોરીને નાથવાની કુનેહ ગણો પો.ક‌મિ. અજયકુમાર તોમરના પાછલા ત્રણ વર્ષના સમયકાળમાં સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમની એકપણ ઘટના બનવા પામી નથી. માનીએ તો આને એક ચમત્કાર જ કહી શકાય એક તરફ શહેર પોલીસદળમાં ૮૦ લાખની વસ્તી સામે માત્ર ૬૬૦૦નો સ્ટાફ અને શહેરની ‌‌વિશાળ સરહદો છતાં ગુનાખોરીને ‌નિયંત્રણમાં રાખવાનું અજયકુમાર તોમરે શક્ય બનાવ્યું છે. ઘણી વખત તો પોલીસદળમાં જ ગુના‌હિત માન‌સિકતા ધરાવતા લોકો જ પોલીસવડાની આબરૂને બેઆબરૂ કરતા હોય છે. પરંતુ પો.ક‌મિ. અજયકુમાર તોમર ખાખી વર્દીમાં ગુના‌હિત માન‌સિકતા ધરાવતા લોકોને ઓળખવામાં પણ એટલા જ પારંગત છે. વળી, જાણીને નવાઈ લાગશે કે, પોલીસદળમાં ક્યારેય પણ અજયકુમાર તોમર સામે નારાજગીનો સૂર સાંભળવા મળ્યો નથી. બલ્કે, પોલીસ કોન્સ્ટેબલથી શરૂ કરીને સાથી વ‌રિષ્ઠ પોલીસ અ‌ધિકારીઓમાં અજયકુમાર તોમર પ્રત્યે સતત આદરભાવ જોવા મળે છે.

ગુનાખોરી ઉપર ‌નિયંત્રણ અને બનેલા ગુનાઓ ઉકેલીને ગુનેગારોને પકડીને સજા કરાવવામાં સુરત પોલીસની કામગીરી દેશભરમાં કાબીલેદાદ રહી હતી અને ગુના ઉકેલી ગુનેગારોને શોધી કાઢવાની કામગીરી ૯૯ ટકા સફળ રહી હતી.

ધાડ, લૂંટ, હત્યા, અપહરણના ગુનાઓનું પ્રમાણ લગભગ શૂન્ય ઉપર નીચે આવી ગયું છે. ૮૦ લાખની વસ્તી છતાં મારામારી, હુમલા, કોમી અથડામણ કે ઓર્ગેનાઈઝ્ડ ગુનાખોરીનું પ્રમાણ જાણે સાવ નેસ્તનાબુદ થઈ ગયું છે. જાણે સુરતમાં કોઈ સંતપુરૂષના આશીર્વાદ વરસી રહ્યા છે. એક તરફ સ્વચ્છતામાં સુરત દેશભરમાં નંબર વન હોવાનું ગૌરવ અનુભવી રહ્યું છે તો ગુનાખોરી નેસ્તનાબુદ કરવામાં પણ સુરત ગૌરવ અનુભવી શકે એવી ‌સ્થિ‌તિ પ્રવર્તી રહી છે.

ટેક્સટાઈલ, ડાયમંડ સ‌હિત અનેક ઉદ્યોગોથી ધમધમતા સુરત શહેરમાં ગુનાખોરી સંપૂર્ણ ‌નિયંત્રણમાં હોય એવું કઈ રીતે શક્ય બની શકે પરંતુ આ શક્ય હોવાનું પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. અાજના તબક્કે સુરત એક એવું શહેર છે કે મધરાત્રે પણ કોઈ એકલી યુવતી કોઈપણ પ્રકારના ભય વગર સુરતના માર્ગો ઉપરથી પસાર થઈ શકે છે. કારણ સુરત પોલીસ જાગે છે. પૂર્વ પો. ક‌મિ. અસ્થાનાએ સુરતના માર્ગો ઉપર સી.સી. કેમેરા લગાવવાની શરૂઆત કરી હતી. આ યોજના અજયકુમાર તોમરે આગળ વધારીને શહેરની પ્રત્યેક શેરી મહોલ્લા સુધી લંબાવી છે. સુરતનો છેવાડાનો ખૂણો પણ કેમેરા મારફતે પોલીસની નજર હેઠળ જોડાઈ ગયો છે. સુરત શહેરને જોડતા તમામ માર્ગો ઉપર પણ ઠેરઠેર સી.સી. કેમેરા સતત ૨૪ કલાક નજર રાખી રહ્યા છે. વળી, રાતના અંધારામાં પણ ગુનાખોરી આચરવાનું શક્ય નથી. સુરત પોલીસ ક‌મિશનરની કચેરીમાં ‌વિરાટ સ્ક્રીન ઉપર શહેરભરમાં થતી પ્રત્યેક ‌હિલચાલની નોંધ લેવા સાથે ઘટનાઓનું સતત રેકોર્ડીંગ થતું રહે છે અને ઘણા ‌કિસ્સાઓમાં તો લોકો ફોન કરે ત્યાર પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હોય છે. સુરત પોલીસ સામાજીક સમસ્યાઓ ઉકેલવામાં પણ અનેક વખત મધ્ય‌સ્થી કરતી જોવા મળે છે! આવું બધુ જાણી-સાંભળીને નવાઈ લાગે પરંતુ સુરત શહેર પોલીસદળના વડાની તપસ્યાનું આ પ‌રિણામ કહી શકાય.

આજે સુરતનો પ્રત્યેક નાગ‌રિક સુરતની સુખદ કાયદો-વ્યવસ્થાની પ‌રિ‌સ્થિ‌તિની અનુભૂ‌‌તિ કરતો હશે. ‌વિતેલા વર્ષોનો બારકાઈથી અભ્યાસ કરવામાં આવે તો લોકોની જાન, ‌મિલકતની સલામ‌તિમાં વધારો થયો છે એવું લગભગ પ્રત્યેક નાગ‌રિક દાવા સાથે કહી શકશે.

પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમર આગામી ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ‌નિવૃત્ત થઈ રહ્યા છે. સુરતીઓના ‌દિલ અને ‌દિમાગમાંથી ક્યારેય પણ તેઓ ‌‌નિવૃત્ત થઈ શકશે નહીં. અજયકુમાર તોમરે માત્ર એક પોલીસ અ‌ધિકારી તરીકે ફરજ બજાવી નથી પરંતુ અ‌ધિકારીથી આગળ વધીને સુરતના લોકો માટે તેમણે ઘણું ઘણું કર્યું છે અને તેમણે કરેલા કાર્યો ઈ‌તિહાસની ઘટનાઓમાં નોંધપાત્ર બની રહેશે.

અજયકુમાર તોમરે ગુનાખોરી રોકવા અને આધુનિક ગુનાખોરી સામે લોકોને, નવી પેઢીના બાળકોને અને એકલવાયું જીવન જીવતા સિનિયર નાગરિકોને જાગૃત કરવાનું અભિયાન ચલાવીને સાયબર ગુનાખોરી રોકવાનો કરેલો પ્રયોગ સફળ પુરવાર થયો હતો, જેના કારણે અનેક લોકોમાં સાયબર ગુનાખોરી સામે જાગૃતતા આવી હતી.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો