રાજકીય નિર્ણય કરવામાં મુંબઈગરા પણ અવઢવમાં, પરંતુ મોદીનો વિકલ્પ દેખાતો નથી

Share this story
  • મુંબઈના સાંકડા મકાનોમાં રહેતા પરિવારો અને લોકલ ટ્રેનમાં ઊભરાતી ભીડને મોંઘવારી સહિતની સમસ્યાઓ દઝાડી રહી છે, પરંતુ અંધારી આલમ અને કોમી તત્ત્વો સાથે બાથ ભીડી શકે એવો બીજો મરદ દેખાતો નથી
  • પાછલા દાયકાઓમાં ઘણું બધું બદલાઈ ગયું, ઘરના દરવાજા સુધી પહોંચી ગયેલા રાજકારણે માણસને અસમજંસભરી સ્થિતિમાં મૂકી દીધો
  • એક જમાનો હતો મુંબઈમાં પગ મૂકો એટલે બાળાસાહેબ ઠાકરેની ચારેતરફ ચર્ચા સાંભળવા મળતી, ફિલ્મનગરીની વાતો થતી હતી, આજે આ બધું ભુલાઈ ગયું અને આ બધાનાં સ્થાને મોદી આવી ગયા
  • મુંબઈના ટૅક્સી ડ્રાઈવરનું પણ ગજબનું ગણિત સાંભળવા મળ્યું; જયારે બે રૂપિયે ‌િલટર પેટ્રોલ હતું ત્યારે શેઠિયાઓ એટલે કે માલેતુજાર લોકો ટૅક્સીમાં બેસતા હતા, આજે પેટ્રોલના ૧૦૦ રૂપિયા છે છતાં ગરીબો, મજૂરો, શ્રમજીવીઓ ટૅક્સીમાં બેસે છે, કારણ દેશમાં પરિવર્તન થયું

દેશનાં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીઓ, વિપક્ષોની એકતા અને ભાજપમાં આંતરિક અસંતોષને પગલે સોશિયલ મીડિયાનાં અહેવાલોને ધ્યાને લેવામાં આવે તો ચારેતરફ ભાજપવિરોધી માહોલ હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે અને કંઈક અંશે આ ચિત્રમાં તથ્ય હશે એવું માનવાને કેટલાંક કારણો પણ રજૂ કરવામાં આવી રહ્યાં છે.
જે લોકો ગુજરાતમાં બેઠા છે અને સમાચારોની દુનિયાથી દૂર છે એવા લોકોને અન્ય રાજ્યોની રાજકીય સ્થિતિનો અંદાજ નહીં આવે, પરંતુ સોસાયટીનાં નાકે, કરિયાણાની દુકાનમાં કે હેર કટિંગ સલૂનમાં અનિચ્છાએ પણ રાજકીય ચર્ચાઓ સાંભળવા મળતી હશે. કેટલીક વખત તો માની શકાય નહીં એવી ઢંગધડા વગરની વાતો ચાલતી રહે છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત તો ચોક્કસ છે કે, લોકો વર્તમાન શાસકીય વ્યવસ્થાથી નારાજ છે, લોકો સત્તાપરિવર્તન કરતા કંઈક રાહત ઇચ્છે છે. આજે લગભગ પ્રત્યેક નાગરિકની હાલત પાંજરામાં પુરાયેલા પક્ષી જેવી થઈ રહી છે. વહીવટી તંત્રમાં ક્યાંક ખામી છે, લોકો માટેની અનેક યોજનાઓ, વિકાસ કામોની હારમાળા, આરોગ્યથી શરૂ કરીને શિક્ષણ સુધીનાં આયોજનો, જાહેર અને રાજકીય ક્ષેત્રે મહિલાઓને પ્રાધાન્ય આ અને આવું ઘણું ઘણું બધું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યાં છે. આવું શા માટે? મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં મોટાભાગનાં પરિવારો રાત્રે નિરાંતની ઊંઘ લઈ શકતા નથી. ‌િજ‌‍ંદગીના કિનારે આવીને ઊભેલા લોકોને પોતાની નહીં, પરંતુ સંતાનોનાં ભવિષ્યની ચિંતાઓ કોરી ખાય છે. નાનો સરખો ધંધો કે વેપાર કરતાં લોકોને એ વાતની ચિંતા છે કે, આવતીકાલે ધંધો બંધ ના થઈ જાય!
સ્થાનિક ચૂંટાયેલા લોકસેવકોને ઘણું બોલવું છે, ઘણાં પ્રશ્નો છે, ઘણાં આઈડિયા છે, પરંતુ કોઈ છુપા ભયથી પક્ષમાં કે સરકારમાં બોલી શકતા નથી!
આ બધાની વચ્ચે અધિકારીરાજ ચરમસીમા ઉપર છે. જાણે કોઈ જ રોકનાર નથી. ઘણી વખત તો કામ કરાવવા માટે લોકપ્રતિનિધિએ અધિકારીની દાઢીમાં હાથ નાંખવો પડે છે. મતલબ ચૂંટાયેલા લોકો કરતા નિમણૂક પામેલા અધિકારીઓની પરિસ્થિતિ વધારે મજબૂત છે. કારણ, તેમણે લોકોને જવાબ આપવાનો નથી.
ખેર, સ્થિતિ એટલી હદે અસમંજસભરી છે કે, જેનું વર્ણન કરવાનું શક્ય નથી. થોડા દિવસ પહેલા મુંબઈ જવાનો પ્રસંગ બન્યો હતો. મુંબઈની લોકલ એટલે કે સ્થાનિક ટ્રેનમાં મુસાફરી કરવી અત્યંત કષ્ટદાયક હોય છે. વળી બિનમુંબઈગરા માટે તો હાર્ટઅૅટેક આવી જાય એવી સ્થિતિ હોય છે. દર ત્રણ, પાંચ અને દસ ‌િમ‌િનટનાં અંતરે દોડતી અને મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં શ્વાસ થંભી જાય એટલી ભીડ વચ્ચે પણ લોકો સામાજિક, રાજકીય સહિત અન્ય ચર્ચા કરતાં-સાંભળતાં અને અચૂક જોવા મળે. ટ્રેનના પાટાનાં અવાજ ઉપરથી પોતાનું સ્ટેશન આવી ગયું હોવાનું જાણી લેતા આ મુંબઈગરાની લાઈફ પણ ગજબની છે.
આ ટ્રેનમાં સફર કરવી એ પણ ‘બિનમુંબઈગરા’ પ્રવાસી માટે લહાવો કહી શકાય. એક પગની એડી ઉપર આખા શરીરનો ભાર અને ખભે ટિફિનનો થેલો લટકાવીને સફર કરતાં પ્રવાસીઓ વચ્ચે અવનવી વાતો સાંભળવી પણ મજાની લાગે. ઘણાં તો બિચારા એવા પણ હોય છે કે, જેને રાજકારણ સાથે કોઈ નિસ્બત નહીં હોવા છતાં અનિચ્છાએ પણ વાતમાં જોડાઈ જતા હોય છે. એક જમાનામાં મુંબઈની ટ્રેનમાં ખાસ કરીને ફિલ્મ અને ફિલ્મ સ્ટાર્સની વાતો સાંભળવા મળતી. પરંતુ આજકાલ મોટાભાગનાં લોકોની ચર્ચામાં ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીનું નામ સાંભળવા મળે જ. એક જમાનો એવો પણ હતો કે, મુંબઈમાં પગ મૂકો એટલે આમચી મુંબઈ અને જય મહારાષ્ટ્રવાળા બા‍ળાસાહેબ ઠાકરે અને પરિવારની અવનવી વાતો સાંભળવા મળતી. બાળાસાહેબની સમાંતર અંધારી આલમનાં માફિયા દાઉદ અને છોટારાજનની પણ ચર્ચા સાંભળવા મળતી. પરંતુ ક્રમશઃ આજકાલ ભાજપ કરતાં નરેન્દ્ર મોદીનું નામ વધારે સાંભળવા મળે છે. આર્થિક સમસ્યા અને વકરતા જતાં અધિકારીરાજથી લગભગ લોકો ત્રાસી ગયા છે. વળી ભ્રષ્ટાચારની કોઈ જ સીમા રહી નથી. આવા દિવસોમાં લોકો પરિવર્તન ઇચ્છે એ સ્વાભાવિક છે. પરંતુ દરેકનાં મોઢે એ વાત-સવાલ અથડાયા કરે છે કે, ‘‘નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ?’’ મતલબ લોકો પરિવર્તન ઇચ્છે છે, પરંતુ વિકલ્પ નથી. મોટાભાગનાં લોકો ખાસ કરીને હિંદુ સમુદાય નરેન્દ્ર મોદીની સરકારમાં પોતાને સલામત સમજે છે. આ એક એવું સજ્‍જ‍ડ કારણ છે કે, લોકોને નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે વાંધો હોવા છતાં બદલવા ઇચ્છતા નથી. આવી જ લાગણી નાના-મોટા ઉદ્યોગકારો, વેપારીઓની છે. આ વર્ગ એવું ચોક્કસ માને છે કે, મોદી સરકાર છે એટલે ગુંડાઓનો ત્રાસ નથી!
આ બધાની વચ્ચે રોજનું રોજ કમાઈને રોજ ખાનારા વર્ગ માટે નરેન્દ્ર મોદી જ સર્વોત્તમ છે, એક ટૅક્સી ડ્રાઈવર સાથેની ચર્ચા દરમિયાન જિંદગીનાં લગભગ છ દાયકા પસાર કરી ચૂકેલા ટૅક્સી ડ્રાઈવરે સામે ચાલીને વાતમાં જોડાતા એવો પ્રશ્ન કર્યો હતો કે, આ વખતે દિલ્હીમાં કોની સરકાર આવશે? ટૅક્સી ડ્રાઈવરનો સવાલ વણજોઈતો હતો. પરંતુ આખો દિવસ જાતજાતનાં પ્રવાસીઓને મળતા રહેતાં ટૅક્સી ડ્રાઈવરનું રાજકીય નૉલેજ કેટલીક વખત આપણી અપેક્ષા બહારનું હોઈ શકે. આ ટૅક્સી ડ્રાઈવરને કદાચ જવાબ આપ્યો ન હોત તો આકાશ તૂટી પડવાનું નહોતું, પરંતુ તેના મનને વાંચવાનું અઘરું હતું. ટૅક્સી ડ્રાઈવર દેશનાં પાંચ રાજ્યો ઉપરાંત ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીનાં રાજકીય માહોલથી રોમાંચિત હોય એવું લાગતું હતું.

ટૅક્સી ડ્રાઈવર સાથેની અલપઝલપ ચર્ચા દરમિયાન તેનું સરેરાશ તારણ એવું હતું કે, મોદી સરકારનાં શાસનમાં જ સલામતી છે, તેમણે બેરોજગારી, મોંઘવારી, અધિકારીરાજ સહિત અનેક મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ત્રણ રૂપિયે ‌િલટર પેટ્રોલ હતું ત્યારે પણ તે મુંબઈમાં ટૅક્સી દોડાવતો હતો અને આજે ૧૦૦ રૂયિયે ‌િલટર પેટ્રોલ મળે છે ત્યારે પણ તે ટૅક્સી દોડાવે છે.
તેની વાત સ્પષ્ટ હતી કે, એ જમાનામાં માલેતુજાર લોકો એટલે પૈસાવાળા લોકો ટૅક્સીમાં બેસતા હતાં. આજે ગરીબ શ્રમજીવી પણ ટૅક્સીમાં પ્રવાસ કરે છે. મતલબ સમય સંજોગોની સાથે લોકો પણ બદલાયા છે. રાજકારણમાં પણ નીતિમત્તાનું ધોવાણ થયું છે.
ટૅક્સી ડ્રાઈવરની વાત અને મન ઉપરથી એક વાત સ્પષ્ટ તરી આવતી હતી કે, મુંબઈનો શ્રમજીવી વર્ગ અનેક સમસ્યાઓથી ત્રાસી ગયો છે છતાં આ વર્ગને ભાજપનાં નહીં મોદીનાં નેતૃત્વમાં વિશ્વાસ છે. આ વર્ગ એવી લાગણી અનુભવે છે કે, મોદી છે તો અમે સલામત છીએ. મોંઘવારી, બેરોજગારી સહિત અન્ય સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? એવો પ્રશ્ન શ્રમજીવી વર્ગ પણ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો :-