ડાયમંડ બુર્સમા પ્રત્યેક વેપારીને ઓફિસ ખોલવાની ફરજ પાડવાનો હઠાગ્રહ શા માટે?

Share this story
  • કારભારીઓની જડતા ચાલુ રહેશે તો એક દિવસ સુરતના ગૌરવ સમાન ડાયમંડ બુર્સ ખંડેર થઇ જતા વધુ સમય નહી લાગે
  • ડાયમંડ બુર્સને અનુરૂપ કસ્ટમ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતની સુવિધાઓ આપવામા કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇ કસર બાકી રાખી નથી છતાં કારણ વગરનો વિવાદ શા માટે?
  • ડાયમંડ બુર્સ કોઇ મિલિટરી સંસ્થાન નથી કે જોહુકમી કરી શકાયઃ ચેરમેન નાગજી સાકરિયાના રાજીનામા પાછળ આવા અનેક કારણો હોઇ શકે
  • મુંબઇ અને સુરતમાં ઉભા કરાયેલા પોતાના સંસ્થાનો રાતોરાત બંધ કરીને ડાયમંડ બુર્સમાં કારભાર ખસેડવાનુ શક્ય નથી, મુંબઇના ઘણા પરિવારોની સુરત આવવા તૈયારી પણ નથી   

સુરતનાં ડાયમંડ ઉદ્યોગને વૈશ્વિક નવી ઓળખ આપનાર સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાન મોદીએ રીબીન કાપ્યાનાં ગણતરીનાં દિવસોમાં ભવ્ય બિઝનેસ સેન્ટરનાં વળતા પાણી થઈ રહ્યાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. મૂળભૂત ડાયમંડ બુર્સનું સપનું વિરાટ હતું અને એ જ પ્રમાણે સાકાર કરાયું હતું. આંતરરાષ્ટ્રીય ડાયમંડ ઉદ્યોગનાં તમામ પાસાઓ એક તાંતણો બંધાઈ જશે એવા લોકો સપના જોઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદી જાતે ઉદ્‍ઘાટન કરવા આવ્યા હતા અને એ જ દિવસે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા ઉપરાંત સુરતથી દુબઈને જોડતી ફ્લાઈટ્સનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ આ બધું થયાના ગણતરીનાં દિવસોમાં જાણે સુરત ડાયમંડ બુર્સને કોઈકની નજર લાગી ગઈ હતી અને ક્રમશઃ નારાજગીનો સૂર વહેતો થયો હતો.

ડાયમંડ બુર્સનાં ઉદ્‍ઘાટન પૂર્વેથી જ વેપારીઓ, કારખાના માલિકોમાં અસંતોષ પ્રવર્તતો હતો જ પરંતુ બધું બંધ મુઠ્ઠીમાં ચાલતું હતું. મતલબ ભૂગર્ભમાં ઉકળતો નારાજગીનો લાવા સપાટી ઉપર આવતો નહોતો અથવા તો વ્યક્તિગત સંબંધોના આધારે અસંતોષ, નારાજગીને દબાવી દેવામાં આવતા હતા. પરંતુ એક દિવસ વિસ્ફોટ થવાનો હતો અને આખરે થઈને રહ્યો.
ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘‘બાંધ્યા કણબીએ ગામ વહે નહીં’’ મતલબ કે કોઈની ઉપર બળજબરી કરવાથી ગામ વસાવી શકાય નહીં. આ કહેવત સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારી રીતે સમજી શકશે. સુરત ડાયમંડ બુર્સનાં કેસમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કોઈપણ વેપાર ઉદ્યોગનું એક ‘હબ’ બને એ આવકાર્ય છે, પરંતુ વેપારી કે કારખાનેદારને ‘હબ’માં જોડાવા માટે બળજબરી ગણો કે હઠાગ્રહ કરીને ફરજ પાડી શકાય નહીં. કારણ કે, ધંધો ભલે સમાન હોય પરંતુ દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. વેપાર, ઉદ્યોગની સરળતા માટે એક બિઝનેસ સેન્ટર ઊભું કરવામાં આવે એ બદલાતા સમયની માંગ છે. પરંતુ આ બિઝનેસ સેન્ટરમાં ફરજિયાત જોડાવાની વાત કોઈના પણ સ્વમાનને ઠેસ પહોંચાડી શકે અને આવા જોહુકમીભર્યા નિર્ણયને કારણે જ કડવાશને આમંત્રણ મળી શકે.
સુરત ડાયમંડ બુર્સ પૂર્વે સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કની રચના વખતે પણ આવા વિવાદો થયા હતા અને જેમ એન્ડ જ્વેલરી પાર્કને સંપૂર્ણ કાર્યરત થતા દાયકાઓ નીકળી ગયા. આજે પણ ઘણાં પ્લોટ ખાલી પડ્યાં હશે.
ખેર, સુરત ડાયમંડ બુર્સ શરૂ કરવાનો વિચાર આવ્યો તે દિવસથી જ હીરા ઉદ્યોગનાં ખમતીધર ઉદ્યોગપતિ વલ્લભ લાખાણી (કિરણ જેમ્સ)ને જવાબદારી સોંપવામાં આવી હતી અને તે દિવસથી જ વલ્લભ લાખાણીએ ડાયમંડ બુર્સને સાકાર કરવાને પ્રતિષ્‍ઠાનો પ્રશ્ન બનાવી દીધો હતો. અલબત વલ્લભ લાખાણીનું ઝનૂન વ્યાજબી પણ હતું. કોઈ પણ કાર્ય સાકાર કરવા માટે જ્યાં સુધી મનમાં ‘ધૂન’ સવાર નહીં થાય ત્યાં સુધી અપે‌િક્ષત ફળ મળવાનું શક્ય નથી.
સુરતનાં ડાયમંડ ઉદ્યોગનાં આગેવાનો ગોવિંદ ધોળકિયા, વલ્લભ લાખાણી, સેવંતી શાહ, લાલજી પટેલ (ધર્મનંદન) વગેરેનાં પ્રભાવને કારણે સરકારમાંથી વખતોવખત મંજુરી મળતી ગઈ હતી અને ખુદ આનંદીબેન પટેલ ભૂમિપૂજન કરવા આવ્યા હતા. મતલબ રાજ્ય અને કેન્દ્ર સરકાર હીરાઉદ્યોગને પ્રોત્સાહન આપવા તત્પર હતી અને એટલે જ નક્કી કરેલી સમયમર્યાદામાં સુરતનાં આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડાયમંડના વેપારનું કેન્દ્ર ‘સુરત ડાયમંડ બુર્સ’ સાકાર થયું હતું અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર માટે જરૂરી કસ્ટમ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સગવડતા પણ ગણતરીનાં દિવસોમાં મળી ગઈ હતી. આ ઉપરાંત મુંબઈ સહિત અન્ય વેપારી મથકોને ફ્લાઈટ્સ આપવાની વાટાઘાટો પણ ચાલી રહી છે.
પરંતુ આ બધાની વચ્ચે વેપારીઓ, કારખાનેદારોને ફરજિયાત અને તત્કાળ કારોબાર ડાયમંડ બુર્સમાં જ શરૂ કરવાનો હઠાગ્રહ બધાને અકળાવી રહ્યો છે. મુંબઈ હોય કે સુરત એક સ્થળે સ્થાયી થયેલી ઓફિસો, સ્ટાફને રાતોરાત ખસેડવાનું શક્ય નથી. સુરતનાં વેપારીઓ તો ઠીક મુંબઈમાં વર્ષોથી કારોબાર કરતાં વેપારીઓને પરિવાર, ઓફિસ અને સ્ટાફ સહિત રાતોરાત સુરત સ્થળાંતર થવાની ફરજ પાડવામાં આવે તો સ્વાભાવિક વિરોધ અને નારાજગી પેદા થવાના. વળી આ બધું રાતોરાત સુરતમાં ખસેડવામાં આવે એ શક્ય પણ બની શકે નહીં.
ડાયમંડ બુર્સનાં પ્રમુખ વલ્લભ લાખાણીએ પોતે નક્કી કરેલા સમયમાં મુંબઈથી સુરત સ્થળાંતર કરી નાંખ્યું એનો મતલબ એવો નથી કે બધા જ વેપારીઓ તત્કાળ સુરત ડાયમંડ બુર્સમાં સ્થળાંતર કરી નાંખે. ઘણાં એવા વેપારીઓ હશે કે જેમના પરિવારો સુરત આવવા તૈયાર નહીં હોય. આવા સંજોગોનો પણ વિચાર કરવો અત્યંત જરૂરી છે. કારણ ડાયમંડ બુર્સ કોઈ મિલિટરી સેન્ટર નથી, એક વેપારી મથક છે, એટલે વેપારીઓની પણ અનુકુળતા જાણવી, સમજવી અનિવાર્ય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો સુરતમાં ડાયમંડ કરતાં પણ કાપડ ઉદ્યોગ અનેક ગણો મોટો છે. કાપડ ઉદ્યોગ માત્ર સુરતમાં જ નહીં દેશભરમાં અને વિદેશમાં પણ પથરાયેલો છે અને લાખો લોકો કામ કરે છે. વળી સુરતમાં એક બે નહીં સેંકડો કાપડ માર્કેટોમાં કારોબાર ચાલે છે. અનેક સંગઠનો કાર્યરત છે પરંતુ કોઈને ચોક્કસ માર્કેટમાં અથવા તો સુરતમાં જ રહીને વેપાર કરવાની ફરજ પાડવામાં આવતી નથી.
ડાયમંડ બુર્સ સાકાર કરતાં પૂર્વે ડાયમંડ ઉદ્યોગને વેપારનું કેન્દ્ર આપવાનો મૂળભૂત આશય હતો પરંતુ કેટલાંક ચોક્કસ લોકોની પોતાની જાતને જ સર્વોપરી માનવાની માનસિકતાને કારણે અનેક વખત નાના-મોટા વિવાદો થતાં રહ્યાં હતાં અને ઉકેલાતા રહ્યાં હતા.
વલ્લભ લાખાણીનાં મજબૂત નેતૃત્વને કારણે ડાયમંડ બુર્સ સાકાર થઈ ગયું. વડાપ્રધાન મોદી ઉદ્‍ઘાટન પણ કરી ગયા અને ડાયમંડ બુર્સમાં જરૂરી કસ્ટમ સહિતની સુવિધા પણ આપી દીધી. હવે ડાયમંડ બુર્સમાં વેપારને કેન્દ્રીત કરવાની જરૂર છે. વેપારીઓ સુરતમાં રહે કે મુંબઈમાં તેના વિવાદમાં પડ્યા વગર ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જાય એ મુખ્ય હેતુ હોવો જોઈએ. પરંતુ વેપારીઓ, કારખાના માલિકોને ફરજિયાત ડાયમંડ બુર્સમાં ઓફિસો તત્કાળ શરૂ કરી દેવાનો ‘હઠાગ્રહ’ રાખવાથી ઉલટાં પરિણામો આવશે અને એક અદ્‍ભૂત ઈમારત આવનારા દિવસોમાં ‘ખંડેર’ બની જશે.
થોડા દિવસ પહેલા ડાયમંડ બુર્સનાં ચેરમેન નાગજી સાકરિયાએ આવા જ વિવાદોથી કંટાળીને રાજીનામું આપી દીધું હતું. પ્રારંભે રાજીનામાની વાત છુપાવવામાં આવી હતી પરંતુ તટસ્થ સ્વભાવ અને સ્પષ્ટવકતા નાગજી સાકરિયા વિવાદોથી દૂર રહેવા માંગતા હોવાથી હવે તેઓ રાજીનામું પાછું ખેંચવાના મૂડમાં નથી. નાગજી સાકરિયાનાં રાજીનામાને પગલે ડાયમંડ બુર્સમાં ચાલી રહેલા વિવાદો વધુ સપાટી ઉપર આવ્યા છે. મામલો વહેલી તકે થાળે પાડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બની શકે કે વિવાદ મોટું સ્વરૂપ પણ પકડી શકે અને ડાયમંડનાં વૈશ્વિક બજારમાં પણ અસરો પહોંચી શકે.
‘સુરત ડાયમંડ બુર્સ’ સુરત અને ગુજરાત માટે ચોક્કસ ગૌરવ લેવા જેવું વ્યાપારી છે પરંતુ આ સંસ્થાનની માર્કેટમાં વિશ્વસનિયતા ટકાવી રાખવા માટે પણ તટસ્થ, નિષ્પક્ષ અને માર્કેટમાં વિશ્વાસ ધરાવતા નેતૃત્વને પણ ટકાવી રાખવાની એટલી જ અનિવાર્યતા છે. અન્યથા વડાપ્રધાન મોદીનાં મનમાં પણ સુરતનાં હીરાનાં વેપારીઓ માટેની ઉજળી ઇમેજને ચોક્કસ ધક્કો પહોંચશે અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માટેનું કેન્દ્ર સરકારનું વલણ પણ બદલાઈ શકે.
હજુ પણ પરિસ્થિતિ એટલી હદે વણસી નથી કે બાજી સુધારી શકાય નહીં. વધુ વિવાદ વણસે ત્યાર પહેલાં અને સુરતને મળેલી એક વૈશ્વિક કક્ષાની સુવિધા છીનવાઈ જાય નહીં એ જોવું મહત્ત્વનું બની રહેશે.