આર્થિક સંકટ દૂર કરવા સરકારની સંવેદના ક્યારે જાગશે, હજુ કેટલાને આપઘાત કરવા પડશે?

Share this story

When will the consciousness

  • નોટબંધીથી પાયમાલીની શરૂઆત થઈ હતી, સેંકડોને ભરખી ગયેલો કોરોના પણ ભુલાઈ ગયો પરંતુ આર્થિક બેહાલ થઈ ગયેલા લોકોના આપઘાતનો સિલસિલો હજુ અટક્યો નથી.
  • અને હવે તો એકલ દોકલ આપઘાતનાં બનાવોની કોઈ નોંધ પણ લેતું નથી અને સામૂહિક આપઘાતની ઘટનાઓ પછી પણ સરકારની સંવેદના જાગતી નથી.
  • સત્તાલાલસા અને મતોના રાજકારણમાં માણસ જાણે સાવ ભુલાઈ ગયો છે, ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા પરંતુ માણસ દિવસે દિવસે સાવ સસ્તો થઈ રહ્યો છે.

સુરતનાં સૌરાષ્ટ્રવાસીઓની ગીચ વસ્તી ધરાવતા યોગીચોક વિસ્તારમાં એક પરિવારે કરેલા સામૂહિક આપઘાતની ઘટનાએ અનેક ગરીબ, મધ્યમવર્ગી પરિવારોને વિહવળ બનાવી દીધા હશે. કારણ કે, આ પરિવારના સામૂહિક આપઘાત પાછળના કારણો પૈકીનું એક મુખ્ય કારણ આર્થિક તંગી હતું. મધ્યમ અને ગરીબ વર્ગનાં મોટાભાગનાં પરિવારો આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છે. ચારેતરફ વિકાસનો બુંગીયો વાગે છે. મોટી મોટી વિકાસની જાહેરાતો થાય છે. પરંતુ હકીકત સાવ જુદી જ છે.

PHOTO-2023-06-08-15-35-36

વૈશ્વિક મંદીનાં બહાને નિષ્ફળતા ઢાંકવાનું મોટું બહાનું મળી ગયું છે. સરકારમાં બેઠેલા અને સરકારના ખુશામતખોરો માટે ક્યાંય પણ મંદી નથી. ચારેતરફ કારખાના ધમધમે છે. લોકો લાખો, કરોડો કમાય છે અને મોજ-મસ્તી કરે છે. સરકારી બાબુ અને સરકારનાં ખુશામતખોરો એટલા માટે આવું વિચારી શકે છે. કારણ કે, તેમના પેટ અને પેન્ટ બંને ભરેલા છે અને એટલે જ ગરીબોની વ્યથાનો તેમને અનુભવ થતો નથી.

હકીકત એ છે કે, આર્થિક બાબતે એકપણ ગરીબ કે મધ્યમવર્ગી પરિવારની હાલત ઠીક નથી. લોકો કામ ઉપર જાય છે અને મજુરી કરે છે એટલે માની લેવાની જરૂર નથી કે લોકો ખુશ છે. આર્થિક તંગી એટલી હદે વણસી રહી છે કે દિવસે દિવસે ‘માણસ સસ્તો’ બની રહ્યો છે. આજે વસ્તુની કિંમત વધી છે. પરંતુ માણસની કિંમત નથી. પરિણામે મજબૂર લોકો ક્રમશઃ ગુનાખોરી તરફ વળી રહ્યાં છે. કોઈને ગુનો કરવો નથી પરંતુ પેટ અને પરિવારનો ખાડો પુરવા જ્યારે મહેનત કરવાથી રૂપિયા નહીં મળે ત્યારે મજબૂરી ચોરી સહિત કંઈપણ કરાવી શકે.

PHOTO-2023-06-08-15-35-16

સરકારમાં બેઠેલા માણસો આ બધુ જાણે છે. પરંતુ સત્તામાં છે એટલે નીચે જોવાની ફૂરસદ નથી અને પેટે પાટા બાંધીને પણ લોકો જ્યાં સુધી ઝિંદાબાદના નારા પાડતા રહેશે ત્યાં સુધી શાસકોનો નશો ઓસરવાની શક્યતાઓ નથી અને નશો નહીં ઓસરે ત્યાં સુધી ગરીબો, મધ્યમવર્ગીઓ મજબૂર લોકોની વેદનાનો ખ્યાલ નહીં આવે.
નોટબંધી, જીએસટી અને કોરોના કાળ દરમિયાન આર્થિક કારણોસર સેંકડો લોકોએ સામૂહિક આપઘાત કરી લીધા પરંતુ સરકારની મસ્તીમાં કોઈ ફેર પડયો નથી. આપઘાતની પ્રત્યેક ઘટનાનું પૃથક્કરણ કરવામાં આવે તો પ્રત્યેક ઘટનામાં વેદનાનો ચિત્કાર બહાર આવશે. પરંતુ આવા ચિત્કાર સાંભળવાની કોને પડી હોય? અરે ! આર્થિક કારણોસર મોતને ભેટેલા કમનસીબ લોકોના આંકડા પણ જોવા નહીં મળે. કારણ કે, બાબુઓની આંકડા છુપાવવામાં માસ્ટરી છે.

PHOTO-2023-06-08-15-34-56

ખેર, સુરતમાં અને બીજા શહેરો, નગરો અને ગામડાંઓમાં આર્થિક તંગીથી વાજ આવી જઈને આપઘાત કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હશે, પરંતુ જ્યાં બધા જ લોકોની વેદના એક સરખી હોય ત્યાં કોણ કોની પરવા કરે? કોરોનાની બીમારી અને મહામારી તેનું જીવંત ઉદાહરણ ગણી શકાય. એક જ સોસાયટી, મહોલ્લા, ગામમાં લોકો ટપોટપ મળી રહ્યાં હતાં ત્યારે લોકોને બીજાના મોતના દર્દ કરતાં પોતાના મોતનો ભય વધુ સતાવી રહ્યો હતો અને એટલે જ કોરોનામાં મોતને ભેટેલા પડોશીનું મોઢુ જોવા પણ લોકો રાજી નહોતા! મતલબ તેમને પડોશીનાં મોત કરતાં પોતાના મોતનો ભય વધુ સતાવી રહ્યો હતો.

આર્થિક બેહાલી કોરોના કરતાં પણ ખતરનાક છે. કોરોનાનો ભોગ બનેલા લોકો મરી જતા હતા પરંતુ આર્થિક બેહાલી જીવતા મારી નાંખે છે અને આર્થિક કટોકટીનાં વિષચક્રમાં ફસાયેલો મજબૂર માણસ સામે ચાલીને મોતને ભેટે છે. પરંતુ આવા મોતની ‘ચીસ’ સંભળાતી નથી. કોઈ પુલ ઉપરથી પડી ગયો, કોઈએ ગળાફાંસો ખાઈ લીધો, કોઈ ટ્રેન હેઠળ કપાઈ ગયો વગેરે વગેરે એકલ દોકલ આપઘાતની પ્રચાર માધ્યમો પણ નોંધ લેતા નથી તો પછી સરકાર ક્યાંથી નોંધ લેવાની? અને એટલે જ જ્યારે જ્યારે સામૂહિક આપઘાતનાં બનાવો બને છે ત્યારે થોડા દિવસો પુરતી ગમગીની, ઉહાપોહ થાય છે અને પછી બધુ ભુલી જવાય છે. પરંતુ ખરેખર તો આવી દુઃખદ ઘટનાઓની નોંધ લઈને સરકારે આર્થિક કટોકટીમાં ઘેરાયેલા લોકો માટે જાગીને પગલાં ભરવાની જરૂર હોય છે. પરંતુ આવું વિચારવા માટે સંવેદના જોઈએ. પરંતુ આવી સંવેદના વેચાતી મળતી નથી.

MRS_7202

ખેર, સુરતમાં એક પરિવારનાં ચાર-ચાર સભ્યોના સામૂહિક આપઘાતની ઘટનામાંથી પણ બોધપાઠ લઈને સરકાર આર્થિક સંકટમાં ઘેરાયેલા મજબૂર લોકો માટે થઈને પણ રાહતનાં પગલાં ભરવાનું વિચારશે તો મતો મેળવવા માટે રાજકીય પ્રચાર કરવાની જરૂર નહીં પડે.

MRS_7220

આ પણ વાંચો :-