ઇન્ડોનેશિયા (Indonesia)ના પૂર્વ ભાગમાં માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રચંડ વિસ્ફોટને કારણે બાલી (Bali) જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં એર ઇન્ડિયા, સિંગાપોર એરલાઇન્સ, એર ન્યુઝીલેન્ડ, જેટસ્ટાર, વર્જિન ઓસ્ટ્રેલિયા અને ચીનની જુન્યાઓ એરલાઇન્સનો સમાવેશ થાય છે. જ્વાળામુખીમાંથી રાખનો વિશાળ વાદળ 10 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યો હતો, જેના કારણે હવાઈ ટ્રાફિકને ભારે અસર થઈ છે. ફ્લાઈટો રદ કરવામાં આવતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
બાલી જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 આજે સવારે દિલ્હીથી બાલી જવા માટે રવાના થઈ હતી, પરંતુ જ્વાળામુખીના ભયને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટને દિલ્હી પરત બોલાવી લેવામાં આવી છે. મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, ફ્લાઇટ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછી ઉતરી ગઈ છે.
એરલાઇને મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરઃ એર ઈન્ડિયા
આ અંગે એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે, ફ્લાઇટ AI2145 ના તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે. એરલાઇને મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને અસરગ્રસ્ત મુસાફરોને સુવિધા આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડી છે. આ સાથે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ અથવા મફત રિશેડ્યુલિંગ એમ બે વિકલ્પો પણ આપ્યા છે.
6,000 મીટરથી નીચેની ઉડાનો પર પ્રતિબંધ
આજે સવારે જ્વાળામુખીએ ફરીથી 1 કિલોમીટર ઉંચા રાખના વાદળો ફેંક્યા, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ઇન્ડોનેશિયાના જ્વાળામુખી અને ભૂસ્તરશાસ્ત્રીય આપત્તિ નિવારણ કેન્દ્ર (PVMBG) એ વિમાનો માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્વાળામુખીના કારણે 6,000 મીટરથી નીચેની ઉડાનો પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે, જ્વાળામુખીની રાખ વિમાનો માટે જોખમી હોઈ શકે છે.