વિનોદ કાંબલી પાઈ પાઈનો થયો મોહતાજ ! પૈસા માટે કંઈ પણ કામ કરવા તૈયાર

Share this story

Vinod Kambli Pai Pai became

  • એક સમયે સોનાની ચેઈનમાં જોવા મળતા કાંબલી હાલ અડધી બચેલી સિગારેટ પછી પીવા સાંચવી રાખે છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી (Vinod Kambli) હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને ખૂબ નાણાકીય ભીડ (Financial crowding) અનુભવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, પૈસા માટે તેઓ ક્રિકેટ સાથે સુસંગત કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. મંગળવારના રોજ તેઓ મુંબઈના (Mumbai) એક કોફી શોપમાં બેઠેલા હતા.

સામાન્ય રીતે સોનાની ચેઈન, સ્ટાઈલિશ કેપ અને શાનદાર કપડામાં જોવા મળતા કાંબલી તે સમયે ખૂબ જ સાધારણ દેખાઈ રહ્યા હતા અને તેમના મોબાઈલની સ્ક્રીન પણ ડાબી બાજુથી ખરાબ થઈ ગયેલી હતી. 50 વર્ષીય આ પૂર્વ ક્રિકેટરને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.

 BCCIનું પેન્શન એકમાત્ર આવક :

કાંબલીના કહેવા પ્રમાણે તેમની સ્થિતિ એટલી સાધારણ થઈ ગઈ છે કે ક્લબ સુધી આવવા માટે પણ તેમણે પોતાના એક મિત્રની કારનો સહારો લેવો પડ્યો હતો. તેઓ પોતાની અડધી પીધેલી સિગારેટ પણ બરબાદ નથી કરતા અને તેને પછી પીવા માટે સાંચવી રાખે છે. તેમણે જણાવ્યું કે, હાલ બીસીસીઆઈનું પેન્શન તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને તેમને કામની જરૂર છે.

તેમને બીસીસીઆઈ તરફથી પેન્શન તરીકે 30,000 રૂપિયા મળે છે. પોતાની આર્થિક સ્થિતિ અંગે વાત કરતા કાંબલીએ જણાવ્યું કે, તેઓ એક નિવૃત્ત ક્રિકેટર છે અને હાલ સંપૂર્ણપણે બીસીસીઆઈના પેન્શન પર જ નિર્ભર છે. તેમણે આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડનો પણ આભાર માન્યો હતો.

 જો મારી જરૂર હોય તો હું તૈયાર છું : કાંબલી

કાંબલીએ જણાવ્યું કે, તેમને એસાઈનમેન્ટ જોઈએ છે જેથી તેઓ યુવા ક્રિકેટર્સની મદદ કરી શકે. તેઓ જાણે છે કે, મુંબઈએ અમોલ મજૂમદારને પોતાના મુખ્ય કોચ બનાવેલા છે અને જો તેમને જરૂર હોય તો તેઓ પણ ઉપલબ્ધ છે.

કાંબલીના કહેવા પ્રમાણે તેમણે તેમનો એક પરિવાર છે અને તેમણે પરિવારની સંભાળ રાખવાની છે.  તેમણે ક્રિકેટ એસોસિએશન અનેક વખત કહ્યું કે, જો તેમને જરૂર હોય તો પોતે તેમના સાથે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તમારા માટે કોઈ ક્રિકેટ નથી રહેતી પરંતુ જો જીવનમાં સ્થિરતા જોઈએ તો એસાઈનમેન્ટ્સ હોવા જરૂરી છે. પોતે એમસીએ પ્રેસિડેન્ટને વિનંતી કરે છે કે, જો તેમની જરૂર હોય તો પોતે તૈયાર છે.

હું કંઈ જન્મજાત ધનવાન નહોતો પણ..

કાંબલીએ જણાવ્યું કે, સ્થિતિ એવી છે જે તેમને હેરાન કરે છે. પોતે કાંઈ જન્મજાત ધનવાન નહોતા અને તેઓ ક્રિકેટ રમીને જ જીવનમાં કશુંક હાંસલ કરી શક્યા છે. તેમણે ગરીબી જોઈ છે અને ઘણી વખત ખાવાનું પણ નહોતું મળતું. તેઓ શારદા આશ્રમ શાળામાં જતા હતા જ્યાં ટીમમાં સામેલ થવા પર તેમને જમવાનું મળતું હતું. સચિન તેંડુલકર ત્યાં જ તેમના મિત્ર બન્યા હતા. પોતે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આગળ આવ્યા છે અને તેમને પોતાના માતા-પિતાની ખૂબ જ યાદ આવે છે. જોકે તેમણે ક્રિકેટે તેમને ઘણું આપ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિનોદ કાંબલી ભારત માટે 17 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં તેમણે 1,084 રન બનાવ્યા હતા. જ્યારે 104 વનડે મેચમાં તેમણે 2,477 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેમણે 4 સદી જ્યારે વનડેમાં 2 સદી ફટકારી હતી.

આ પણ વાંચો :-