વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

Share this story

Vandebharat train met with accident for the third time

  • ગુજરાતભરમાં રખડતાં ઢોર આધુનિક ભારતની ટ્રેનમાં બેસતા મુસાફરો માટે પણ બન્યાં જોખમી. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડયો છે.

પ્રધાનમંત્રીએ (Prime Minister) તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને (Vandebharat Train) લીલીઝંડી આપી હતી. જેના બાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત થયો છે. વલસાડના (Valsad) અતુલ નજીક વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. ગાય આડે આવી જતા ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો. સાથે જ એન્જિનને (engine) પણ નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના અતુલ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. દોડતી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

એક જ મહિનામાં ત્રીજો અકસ્માત :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડયો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. જોવાની વાત એ છે કે, ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા છે.

ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા :

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે.

આ પણ વાંચો :-