Saturday, Aug 1, 2026

મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલાયા, તાપી નદી બે કાંઠે! ઉકાઈ ડેમમાં 4.77 લાખ ક્યુસેક પાણીની આવક

1 Min Read

ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે તાપી નદી અને ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે ઉપરવાસના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણ અને 19 દરવાજા અડધા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી આવી રહેલો આ વિશાળ જળપ્રવાહ સીધો ઉકાઈ ડેમ સુધી પહોંચી રહ્યો છે.

હાલ ઉકાઈ ડેમમાં 4,77,160 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને 321.91 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો હોવાથી સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે અને જરૂરિયાત મુજબ નીચાણવાળા વિસ્તારો માટે સૂચનાઓ તેમજ પાણી છોડવા અંગેના નિર્ણયો લેવામાં આવશે.

Share This Article