ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ, લગ્ન-તલાક અને ઘણા નિયમો બદલાશે

Share this story

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા રજૂ કરી છે. બિલ પર ચર્ચાની માગણીને લઈને વિધાનસભામાં હંગામો થયો છે. દરમિયાન વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ થયા બાદ તે કાયદો બની જશે. આ સાથે, ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. ડ્રાફ્ટમાં ૪૦૦થી વધુ વિભાગોનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે.

ઉક્કરાખંડમાં યુસીસી લાગુ થતા કેટલાક અધિકારો બદલાશે તો કેટલાક નવા નિયમો ઉમેરાશે અને આ તમામ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહેશે પછી તે કોઈ પણ જાતિ કે ધર્મનો હોય. UCC બિલ લાગૂ થયા બાદ તમામ ધર્મોમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હશે. સ્ત્રી-પુરુષને છૂટાછેડા આપવાનો સમાન અધિકાર, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પહેલા માતા પિતાને જણાવવું પડશે.

UCC બિલ લાગુ થતા ઘણાં નિયમો બદલાશે

  • UCC લાગુ થયા બાદ એકથી વધુ લગ્ન કરવા પર પ્રતિબંધ લાગી જશે.
  • યુવતીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ નક્કી કરવામાં આવી શકે છે.
  • લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકો માટે પોલીસમાં રજિસ્ટ્રેશન જરૂરી બનશે
  • લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોએ પોતાની જાણકારી આપવી જરૂરી બનશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ પોતાના માતા-પિતાને પણ જાણ કરવી પડશે.
  • લગ્નનું રજિસ્ટ્રેશન ના કરાવવા પર કોઇ પણ સરકારી સુવિધાથી વંચિત થવું પડશે.
  • મુસ્લિમ મહિલાઓને પણ ખોળે લેવાનો અધિકાર મળશે અને તેની પ્રક્રિયા સરળ હશે.
  • પતિ અને પત્ની બન્ને છૂટાછેડાની પ્રક્રિયા સુધી સમાન પહોંચ મળશે.
  • નોકરી કરતા પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ પોષણની જવાબદારી પત્ની પર રહેશે અને તેને વળતર પણ મળશે.
  • પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરી લગ્ન કરે છે તો તેને મળેલુ વળતર માતા-પિતા સાથે શેર કરવામાં આવશે.
  • અનાથ બાળકો માટે સંરક્ષણની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદ મામલે બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપવામાં આવી શકે છે.

માર્ચ ૨૦૨૨માં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.