સુરતમાં ફરી એક વાર લાખોની MD ડ્રગ્સ સાથે બે પકડાયા

Share this story

ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ફરી એક વાર સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા એક મિયાં-બીવી ઝડપાયા છે. અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણ પોતાના મોજ-શોખ પુરા કરવા માટે ડ્રગ્સનો વેપાર કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ રાંદેર પોલીસે અયુબખાન રશિદખાન પઠાણ અને તેની બીવી ફરઝાનાબીબી અયુબખાન પઠાણને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનો  વેપલો કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસે તાડવાડી ગોમતીનગર મકાન નંબર બી-૨૨માં રહેતા અયુબખાન પઠાણને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આ બંને પાસેથી પોલીસે ૧ લાખ કરતા વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. બંને પેડલર્સની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ આદરી હતી. મુંબઈ ખાતે રહેતી જુબેદા ખાતુન મેમણ નામની મહિલા તેમને ટકલા નામના વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતી હતી. આ બંને લોકો ડ્રગ્સ મેળવ્યા બાદ પોતાની ગાડીમાં તેનો વેપલો કરતા હતા.

પૂછપરછમાં બે નવા નામ સામે આવતા પોલીસે ટકલા તેમજ જુબેદા ખાતુનને ભાગેડુ જાહેર કરીને બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ઝડપાયેલા પેડલરોની ગાડી પણ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં અન્ય એક તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન નામની મહિલાનું પણ નામ ખુલ્યું હતું, પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી છે.

આ પણ વાંચો :-