હર્ષ સંઘવીનો આદેશ દિવાળીમાં સુરતથી ગુજરાતના તમામ શહેરો માટે ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય

Share this story

દિવાળી દરમિયાન સુરતને કર્મભુમી બનાવીને રહેતા ગુજરાતના અન્ય શહેરોના લોકોને વતન જવા માટે એસ.ટી વિભાગ દ્વારા ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે તે અંગેની જાહેરાત આજે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીએ સુરત ખાતે કરી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, આગામી ૨ થી ૧૧ નવેમ્બર સમય દરમિયાન એસટી વિભાગને ૧૦૧ નવી બસ મળશે તેથી લોકોને સુવિધા રહેશે. આ ઉપરાંત તેઓએ ખાનગી બસ ઓપરેટરને ચીમકી આપતા કહ્યું હતું કે, ખાનગી બસ ઓપરેટરની લૂંટ ચલાવી નહીં લેવાય, વધુ પૈસા પડાવનાર સામે આકરા પગલાં ભરાશે.

સુરતના સર્કિટ હાઉસ ખાતે આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદમાં ગુજરાત એસટી વિભાગની માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, એસટી નિગમના કર્મચારીઓ છેવાડાના નાગરિકોને પોતાના વતન પહોંચાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને કોઈને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિ નો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રીના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સુરત શહેર મીની સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખાય છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર થી માંડીને ઉત્તર ગુજરાત અને દાહોદ-ગોધરા થી માંડીને સમગ્ર રાજ્યના ગામડાઓના નાગરિકો રોજી રોટી માટે સ્થાયી થયા છે. દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકાર દ્વારા મહત્તમ સંખ્યામાં બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવાળીના તહેવારમાં એસટી વિભાગ દ્વારા ૨૨૦૦ થી વધુ બસો દોડાવવામાં આવશે. આગામી બીજી નવેમ્બરથી ૧૦ મી નવેમ્બર સુધી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી અલગ-અલગ તાલુકા અને જિલ્લાઓ માટે ૧૦૧ નવી બસ આપવામાં આવશે અને તે પણ લોકોની સુવિધા માટે દોડશે.